Friday, August 28, 2009

ઉજવણી

ઝળહળતી સવારી લઇને આવે છે સૂરજ
વેરતો પ્રસન્નતા, રોજ રોજ.
વિચાર આવ્યો:
ચાલ, એના કટકા કરી દઉં
અને ઓશીકા તળે દબાવી રાખું ...

પહેલાં ડગે સત્કારે છે
તરવરતી લીલાશ અને મહેકતા રંગો. રોજ રોજ.
વિચાર આવ્યો:
ચાલ એનો ચૂરો કરી દઉં
અને એક કૂંડામાં રોપી લઉં ...

અને
વિચાર આવ્યો:
એમ, ઢળતી સાંજે
રંગીન એક છોડની સોગાત સાથે
અજવાળું ઉજવતો રહીશ. રોજ રોજ. ...

-- ચંદ્રેશ ઠાકોર
ર્નોર્થવિલ, મીશીગન


Saturday, August 15, 2009

બહોત ખૂબ ...

આળસ માંડ મરડું તે પહેલા
સાવ તાજાતમા સૂરજકિરણનો તેજઠઠારો
કાને પડ્યો નવા દિવસની નોબત વગાડતો,
અને, અશબ્દ પડઘો પડ્યો: વાહ, વાહ ...

માટીના રંગ સાથે ભળી ગયેલી
છૂટી છવાઇ વેરાયેલી સળકડીઓ
એક પછી એક ઊંચકી
વીજળી કે વાવાઝોડાથી સાવ નચિંત ચકલીને
ડાળીઓની ઓથે ગોઠવતી જોઇ
મનોમન બોલાઇ ગયું: ક્યા બાત હૈ ...

લંગડીની રમત રમતાં એ બાળવૃંદમાંથી
માત્ર એકને જ પકડવાની ધગશમાં
અહીંથી તહીં અને તહીંથી અહીં એક પગે કૂદતા
એ તરવરાટને જોઇ
ધન્યતાની તાળી પડાઇ ગઇ: જીયો જીયો ...

હાઇવે પર
પૂરપાટ વેગે દોડી જતી ગાડીઓની વચ્ચે
મીનીમમ સ્પીડે ચાલતી ગાડીમાં
"આજ જાનેકી જીદ ના કરો"ની આજીજી સાંભળતા સાંભળતા
પીગળતો મારો જીવ ગાજી ઊઠ્યો: બહોત અચ્છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

દોટ

ક્ષિતિજને જો આંબી શકાય
તો
હું દોડીશ પશ્ચિમી ક્ષિતિજ તરફ :
એ રીતે
મારે માટે
સૂરજ ક્યારેય આથમવાનો નહીં !

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, August 14, 2009

ત્રીજી ફેબ્રુઆરી



સવાર તો રોજ પડે છે
રાત તો રોજ ઢળે છે
તારીખિયું તો રોજ ફરે છે ...

પણ, રોજ
મ્હેંદી રંગાતી નથી
ચૂડીઓ રણકતી નથી
માંડવો બંધાતો નથી
શરણઇ સંભળાતી નથી ...

રોજ અને આજ:
તફાવત માત્ર તું!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, August 13, 2009

આજ અને કાલ

ઝાકળના જામમાં મેં આંગળી ઝબોળી
ત્યાં કિરણાંની સાંભળી ટકોર,
ખોટે રે બારણે સાંકળ ખખડાવ મા
હોય તને જો અમૃતના કોડ.

કિરણાંની વાતમાં મેં જાતને ઢંઢોળી
ત્યાં અંતરની સાંભળી ટકોર,
કાલને તાંતણે જાતને ટટળાવ મા
માણી લે આજની આ પળને અમોલ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, August 3, 2009

બચપણ

આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

આંબલીની ડાળીએથી કુદકા ને હિંચકા એમાં છપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઇ નહીં જોઇ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વ્હાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

મબલખ કોઇ પાક્ની પરવા નો'તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું'તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર જામેલી ધૂળને મારી તું ફૂંક એક હઠાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

રંગીન લખોટીઓ ને કોડીઓ ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઇટ્ટા-કિટ્ટાનો કોઇ કાયમનો નો'તો ઠરાવ
આંટી અને ઘૂંટીમાં ડુબ્યા આ જીવને આટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન


*નળિયાના સાત ટુકડાની ઢગલીને બોલથી તોડવાની અને ફરી ગોઠવવાની
રમત