Tuesday, June 30, 2009

પાંખ

કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું,
મૂછને વળ દેતું.

એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ,મીશીગન

Monday, June 29, 2009

સુપાત્ર

વિચાર આવ્યો: અળસિયાને અચકન પહેરાવી હોય તો? તો એ સોહામણો લાગે? સોહામણો લાગશે તો એ સુરવાળનો ધખારો કરશે. અને પછી સાફાનો. વળી મોજડી પણ માંગશે. અને એ રૂપાળી પ્રતિભા ઉપર મ્હોર મારવા અરીસો માંગશે.

પણ્, પોતાનું પ્રતિબિંબ જોવા એ ટટ્ટાર ઊભો રહી શકશે ખરો? એ અચકન પગ પેદા કરી શકશે? કરોડરજ્જુમાં જોમ રેડી શકશે? ... એમ કંઇ ફરક પડવાનો ના હોય, તો છોડો એ ઝંઝટ. એને ધૂળમાં આળોટવા દો. માટીને ખૂંદવામાં મશગૂલ રહેવા દો ...

અચકનને ઊંચી મૂકી દો. કોઇ યોગ્ય પાત્ર માટે.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, June 25, 2009

શું?

દુનિયા કણસે ચારે બાજુ
આંસુ ખૂટે ત્યાં લો'વું શું?

જોયું તે ના જોયું કરવું
દ્રષ્ટિ ખોયે જોવું શું?

બાંધ્યું ઘર તેં મારે માટે
સાબૂત પાયે ખોવું શું?

ડાઘ પડ્યા જો ઊંડે અંતર
પહેરણને ત્યાં ધોવું શું?

ઊડ્યું બચ્ચું પાંખને પામી
માળો સૂનો રોવું શું?

આંધળો બેઠો મૂંગાની પૂંઠે
કોણે કોને કે'વું શું?

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, June 21, 2009

ઉષ્મા **

ઉષ્માના છે ઝૂમ્મર લાગ્યા
ઉષ્માના છે ઝાલર વાગ્યા
ઉષ્માના રણશીંગાં ગાજ્યાં
ઉષ્માના મૂંગા શ્લોક ગવાયા ...

ઉષ્મા ના કોઇ છોડે લાગે
ઉષ્મા ના કોઇ ડાળે લટકે
ઉષ્મા ના કોઇ નાળે-દરિયે
ઉષ્મા ના કોઇ રસ્તે ભટકે ...
ઉષ્મા ખેંચે ઘૂંઘટ નીચે
ઉષ્મા ખોલે ઘૂંઘટ ઊંચે
ઉષ્મા તો કાનાની કંકર
ઉષ્મા તો મટકીની અંદર ...
ઉષ્મા ઉડતી ફૂગ્ગે ફૂગ્ગે
ઉષ્મા લાંઘે લંગર ઊંડે
ઉષ્મા અંતર નવતર રંગે
ઉષ્મા આંતર જીવતર રંગે ...
ઉષ્મા નીતરી આંખે ટપકે
ઉષ્મા વણટપકે પણ ભીંજવે
ઉષ્મા હૈયું નક્કર બાંધે
ઉષ્મા વણબાંધે પણ વીંટે ...

ઉષ્માના છે ઝૂમ્મર લાગ્યા
ઉષ્માના છે ઝાલર વાગ્યા
ઉષ્માના રણશીંગાં ગાજ્યાં
ઉષ્માના મૂંગા શ્લોક ગવાયા ...

ઉષ્મા ઉષ્મા તારો જંતર
ઉષ્મા ઉષ્મા મારો મંતર.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ,મીશીગન.


** = હૈયાની હૂંફ

Thursday, June 18, 2009

દેખાડો

અરીસા સામે મેં હાથ ધર્યો
અને
પ્રતિબિંબિત હસ્તરેખાઓ ગર્જી ઊઠી:
બહુ દેખાડો કરીએ
તો
સવળી બધી અવળી થઈ જાય!

વર્ષો પહેલાં મા એવું જ કંઇ કહેતી હતી ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, June 15, 2009

ભરતી અને ઓટ

પ્રેમમાં ભરતી આવે
અને ઓટ પણ.
ભરતી હોય ત્યાં ઓટ હોય જ ને?
એ ઓટને અટકાવવા
પ્રેમની જ દિવાલ બાંધી દઉં તો?

પણ,
દિવાલ તો દિવાલ જ ને?
ઓટને અટકાવતા ભરતી પણ અટકી જાય ને?
એમ પણ પ્રેમ સ્થગીત થયેલો સારો નહીં.
ભલે ભરતી પાછી વળે --
એ પ્રેમની ઓટ નહીં
બલ્કે
ભરતીના નવા જુવાળને જ આમંત્રણ
અને આવાહન!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, June 14, 2009

ઢાઇ અક્ષર

વર્ષો ઉપર
મનમાં જ ગુંજતા ગુંજતા
રોપ્યો હતો તેં એક છોડ:
ઢાઇ અક્ષરનો.
વર્ષો વીત્યાં
પાળ્યો અને પોષ્યો એને
બસ્, અશબ્દ.
મૂળિયાં સાબૂત થયાં
એ જ મૂંગા જતનથી.
છોડ પાંગરતો રહ્યો એમ જ
ગાનતાનના તમાશા વગર.
અને તોયે
ઢાઇ અક્ષરનો જ રહ્યો.

એ છોડને
પાળતા અને પોષતા
તું
ગણગણતી અને ગાજતી હોત
તો
એ છોડનો શબ્દકોશ થઇ ગયો હોત?

મારે તો અઢી અક્ષર જ બસ છે:
ત્રણ હોત તો, કદાચ
વામન અને વિરાટની મડાગાંઠ ઉપજતે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, June 13, 2009

મીઠાશ

ડાયનાસોરની
બાલુશી વાતોમાં મશગૂલ
ચાર વર્ષનો એ જીવ
મને પૂછે છે, ઘણી વાર:
પાપા, આમ કેમ?

એની કુતૂહલ ભરપૂર મીઠાશમાં ડબુકિયા કરતો હું
વિચારું છું:
કાલ ઊઠીનેએ જ જીવ પૂછશે
પાપા, આમ કેમ નહીં?

ચાર વર્ષની બાળક સહજ મીઠાશ,
શક્ય છે,
ચોવીસે નહીં હોય.

એ મીઠાશને
એક એરટાઈટ ડબ્બામાં
ભરી શકાય?

-- -- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, June 12, 2009

છાંટા

છાંટા પડ્યા
એ તો મુસીબતોના,
વરસાદ પડે છે
મુશળધાર મહેરબાનીનો!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન