Friday, July 31, 2009

કારણ

તારાથી વિખૂટો પડું છું ત્યારે
હું
આંખ બંધ કરું,
તું બંધ આંખે તાદ્રશ થાય
અને, એમ
તારો વિયોગ સહ્ય બને.

મૃત્યુના આગમન સમયે
જો હું આંખ મીંચીશ, તો
બસ,
માત્ર એ એક જ કારણે !

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, July 28, 2009

તક્દીર

આ જામ તો સદંતર છલકતું રહ્યું છે
નિજાનંદે નિરંતર મલકતું રહ્યું છે
તરસ બેતરસ જેવો ઘૂંટ ભરું ત્યાં
કોઇ એને લગાતાર ભરતું રહ્યું છે ...

ઓ જામ તો સદંતર ખાલી પડ્યું છે
જાણે નિરંતર એ તો ઊંધું પડ્યું છે
ખબર છે મને એ કંઇ ઠલવાયું નથી
ચોતરફ બધું તો કોરું પડ્યું છે ...

-- ચંદ્રેશ ઠાકોર
ર્નોર્થવિલ, મીશીગન

Monday, July 20, 2009

કેમ કરી?

આંજી આંજીને હું આંખડીને આંજું પણ દ્રુષ્ટિને કેમ કરી આંજું?
માંજી માંજીને હું થાળીને માંજું પણ પાણીને કેમ કરી માંજું?

નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
પાણીને કેમ કરી માંજું?

આપી આપીને થોડી જાયદાદ આપું પણ તાંદુલને કેમ કરી આપું?
માપી માપીને મારી મહોલાતો માપું પણ કમાણીને કેમ કરી માપું?
પાણીને કેમ કરી માંજું?

ગાળી ગાળીને હું પાણીને ગાળું પણ જીવતરને કેમ કરી ગાળું?
વાળી વાળીને મારા આંગણને વાળું પણ વાણીને કેમ કરી વાળું?
પાણીને કેમ કરી માંજું?

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, July 15, 2009

બોન્સાઇ

મને કબીરવડ કહીને લોક ખંધૂં હસે છે ...

સાચે જ
બે મૂઠેરી માટોડીમાંયે
શોધવા મુશ્કેલ પડે એ મૂળિયાં
પાતાળ સુધી પહોંચતાં નથી.
મારી ઝીણકી પત્તીઓની નીચે
કોઇ ગોવાળિયાને વિસામો નથી.
મારી નાનકડી ડાળખીમાં
કોઇ તરવરતી ખિસકોલીને
ટેકવવાનું જોર નથી ...

પણ
નથી હિમ નહીં ઠરવાનું
નથી વરસાદ નહીં ભીંજાવાનું
નથી તડકો નહીં બળવાનું
નથી કરવત નહીં ડરવાનું:

બસ
પ્રીત-પોષણના માહોલમાં
નિજાનંદે મ્હાલવાનું!

અને
કબીરવડને યાદ કરીને, મનમાં સહેજ મલકી લેવાનું ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, July 10, 2009

વિચાર

વિદ્યુતના તાર પર બેસીને
સંવનન કરતાં બે પારેવડાં:

એક જીવે એ જોયું
અને એને વિચાર આવ્યો,
વીજળીનો આંચકો પારેવડાંને લાગશે તો?

બીજી બે આંખોએ એ જોયું,
અને એ જીવે
"ખાધું, પીધું, અને રાજ કર્યું" એ પરમસંતોષની
કલ્પના કરી!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, July 6, 2009

અનુભવ

અમરતાના પાઠ શીખવા
ધ્યાન ધર્યું મેં
સાબુના ફીણમાંથી નીપજેલા
પરપોટાનું!

શક્યતાના સ્વાંગને સમજવા
બીડું ઝડપ્યું મેં
પારાને
ચપટીમાં પકડવાનું!

ના કંઇ શીખ્યો,
ના કંઇ સમજ્યો
અને દ્વિધામાં પડ્યો:
મંઝિલ ખોટી કે માર્ગ ખોટો?

ત્યાં
ખભે ટપલી પડી.
પાછો ફરીને જોઉં તો, ઊભો'તો
કોલંબસ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, July 5, 2009

વરસાદ વરસાદ

વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો ...

કાળા ધીબાંગ વાદળ થઇને ને નીતર્યું નીલું આકાશ લઇને વરસાદ આવ્યો
માટી ગાતી મહેક મહેકતી ને ગહેક ગહેકતો મોર નાચ્યો, આહા, વરસાદ આવ્યો ...

ચમક ચમકતી વિજળી સંગે ધબક ધબકતી ધરતી જાગી વરસાદ આવ્યો
ઝરણું દોડે ખળખળ ખળખળ લીલ્લમ લીલ્લું તરણું પોંખે, આહા, વરસાદ આવ્યો ...

પાંચ વરસને છબછબતો ને સોળ વરસને લથબથતો આ વરસાદ આવ્યો
ટપક ટપક નેવેથી ઝૂરતો ને છલક છલક આલિંગન દેતો, આહા, વરસાદ આવ્યો ...

રેલમછેલમ નદિયું રેલે ને તડકે વરસી રંગબેરંગી ધનુષ રંગે વરસાદ આવ્યો
ઘેબરિયો પરસાદ ખાવા ને તળપદિયો તલસાટ ગાવા, આહા, વરસાદ આવ્યો ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ્, મીશીગન