Monday, October 26, 2009

ઉત્સવ

કાજળના ડાઘને કોઈ કહોને, કોઈ કહોને
હળદીનો વારો આજ આવ્યો હોજી,
પરીઓની વાતને કોઈ કહોને, કોઈ કહોને
સાચા અવસરનો આજ ઊત્સવ હોજી!

ઢીંગલી વાઘાને કોઈ કહોને, કોઈ કહોને
ચૂંદડી વિંટળાય આજ હેતની હોજી,
હોળી પચરંગને કોઈ કહોને, કોઈ કહોને
સેંથી સિંદૂર લાલ લાગવું હોજી!

કોરી એ કાંડીને કોઈ કહોને, કોઈ કહોને
રણકાતી ચૂડીઓથી શોભવું હોજી,
કાલી એ બોલીને કોઈ કહોને, કોઈ કહોને
મંગળ અષ્ટકને આજ ગૂંજવું હોજી!

કોટી વળગ્યા હાથને કોઈ કહોને, કોઈ કહોને
વરમાળનો વારો આજ આવ્યો હોજી,
પારણાંની દોરને કોઈ કહોને, કોઈ કહોને
હાથ જરા બદલાય તો ખમજો હોજી!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, October 12, 2009

કેટલી જલદી

ધીમી ધીમી
પા પા પગલી
કેટલી જલદી સપ્તપદી થઈ!
અને
પેલી જલદી ઘૂમતી ફેરફુદરડી
ધીરે ધીરે
અગ્નિફેરે ફરતી થઈ.

કાલી ભાષા
કેટલી જલદી
પ્રીતના ગીતે ગૂંજતી થઈ,
અને
ઢીંગલીવાઘા
સજતી જલદી
પાનેતરમાં ઢીંગલી થઈ.

ઘોડોઘોડો
હાથચાબૂકે
માંડવે જલદી ઠાવકી થઈ,
અને
ઘર ઘર રમતી
નાની છોકરી
આંખભીની એક રાણી થઈ.

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, October 7, 2009

મંગળમંદિર

મા,
એમ તો ઘણીયે વાર
તમે આમ સુતા છો.
પણ આજે
આ ઝગમગતો દીવો
કે
આ રામધૂન
તમારી ઊંઘમાં ખલેલ નથી પહોંચાડતા?
લાગે છે
ઘાટ પર તો આજે પણ તમે જશો જ.
જો કે આમ જ, મીંચીં આંખે.
છેલ્લે છેલ્લે પણ, શાંતીથી, જાણે એ જ રટણ:
મારી ચિંતા ના કરશો.
મંગળમંદિરને રસ્તે હું ભૂલી નહીં પડું ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, October 1, 2009

વિયોગ

મા,
વર્ષો વીતી ગયાં તમારી ખુરશી ખાલી પડે
ને માળાના મણકા પર તમારો હાથ ફરે:
પણ
હજીયે રોજ તમને માળા ફેરવતા જોઉં છું.
તમારી દુનિયાના ધબકારાના ઓડકાર
શ્વાસમાં સમાવી લેવાનો નિત્યક્રમ જાળવવા
ન્હાઈને ઓટલે એ જ ખુરશીમાં તમને બેસતા પણ રોજ જોઉં છું.
અને માળા ફેરવવા મંદિરમાં જ બેસવું જરૂરી નથી
એવા તમારા વ્યવહારુપણાની કદર પણ રોજ કરું છું.

વર્ષો પછી તમે નથી
પણ
ઓટલે સૂની પડેલી તમારી ખુરશી તોયે એમ જ છે.
માળા ફેરવવામાં તમને ગમતો ભંગ પાડતા
પેલો દૂધવાળો, પેલો શાકવાળો
અને શેરીમાં ઝાડુ ફેરવતી કંકુડી રોજ આવે છે.
બા આમ કહેતા ને બા તેમ બોલતા કહી
તમને યાદ કરે છે. હજીયે.

સૂનો પડેલો મણકો પણ
રોજ સોરાય છે:
માનો હાથ ફરે વર્ષો વીતી ગયાં ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન