Monday, December 6, 2010

લઘુ કાવ્યો (૩)

પરોઢનો સુનકાર કેટલો શાંત છે!
નથી લેશમાત્ર પણ મારી તૈયારી
શ્વાસના ઘોંઘાટને વહેતો કરી
એ શાંતિનો ભંગ કરવાની.

િદવસ આખ્ખો રાહ જોતો ઘૂરકી રહ્યો છેઃ
શ્વાસ, જરા ખમ્મા કરો
આ ચોઘડિયાની શાંતિને તમે પણ માણો ...


-----


મગરનાં આંસુ
સાવ ખોટાં
પોકળ શબ્દો જેવાં બોદાં.
પારખવાં સાવ સ્હેલાં.

સાચ્ચા આંસુને પામવા
હોય તો
જરા
આંખનું પગથિયું ઊતરવાની તકલીફ લો.


-----


છપ્પા-થપ્પાની રમતમાં
બંધ હોય છે દાવ દેનારની આંખો.
પણ
ઝાડની ડાળીઓમાં સંતાકૂકડી રમતા તો
સાવ ખુલ્લી હોય છે
ઓલા ચકલા અને ચકલીની આંખો.

એ રમતનું નામ શું હશે?


-----

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, November 21, 2010

મારે તો ઃ

આગિયો બનવું છે
મારા અંધકારનો ઉપાય મારા જ હાથમાં ...

ઝરણું બનવું છે
અવરોધનમાંથી માર્ગ કાઢવો સાવ સહેલો ...

ખિસકોલી બનવું છે
સહજ થઈ પડે પડ્યા પછી ઉપર ચઢવાનું ...

મંદિરનો ઘંટ બનવું છે
વિસરાય નહીં ક્યારેય, નીસરેલો નાદ પાછો નથી ફરતો ...

આયનો બનવું છે
મતિ ના સૂઝે ખોટે રસ્તે દોરવાની, કોઈને પણ ...

તબલચીનો હાથ બનવું છે
જીવ સીંચી શકાય ચામડાના એક નિર્જીવ ટૂકડામાં ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Tuesday, November 9, 2010

રંગરોગાન

લીલાછમ્મ પાંદડાંને દૂરદૂરથી સંભળાય છે
યમરાજનાં પાનખરપગલાં ...

પણ,
ગુપચુપ કફન ઓઢી લેવાને બદલે
મસ્તીએ ચઢે છે એ સમગ્ર જમાત
રહ્યાસહ્યા દિવસોમાં હોળી-ધુળેટીનો લ્હાવો લૂંટવા,
અને ઝગમગાવી મૂકે છે એમનું સમુહ અસ્તિત્વ.
બૂઝાતા દિવા જાણે પ્રજ્વળી ઊઠ્યા.

સમજવો હોય જો એ પાનખરી રંગોનો જાદુ
તો
એક અખતરો કરી જુઓ:
ટોળે વળો મેપલના બે-ચાર ઝાડનાં ઝૂંડ નીચે
સફેદ પોશાક પહેરીને, નખશિખ.

તરબોળ થઈ જશે એ ધોળુંધબ્બ મૌન
વિધવિધ રંગરોગાનનાં સૂરસંગીતમાં ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Wednesday, November 3, 2010

હાઈકુ (૧)

કાગળહોડી
સઢ ઉકેલી, કેવી
જલદી ભાગી!

---

મનઆંખો તો
ખડકી નહીં પણ
આયખું માપે.

---

ઉમ્મર રાચે
હવે પગ ઝબોળી
શૈશવકાંઠે.

---

પંખી ભેગાં, આ
માળામાં કલરવ
જાણે આસવ.


---


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, October 23, 2010

જાગૃતિ

મારી એ જ શેરીની એ જ ધૂળ
કોડી-લખોટીઓના એ જ રણકાર
એ જ ભમરડા અને એમને ઘૂમાવતી જાળ
એ જ પતંગો, એ જ માંજો
લંગડી, સંતાકૂકડી, આટાપાટાની એ જ રમતો
ત્રણ લાકડીઓ ઠોકીને માની લીધેલા એ જ િક્રકેટના સ્ટમ્પસ ...

વર્ષો વીત્યાં
અરે, દાયકા વીત્યા.
એ બધાથી વિંટળાયેલો
એ બધામાં ખોવાયેલો
ઊભો છું હજીયે હું તો એમ જ,
અચલ.

તકલીફ ના લેશો મને ચૂંટીઓ ખણવાની.
હું જાગૃત છું,
સોએ સો ટકા ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Tuesday, October 5, 2010

શમણું

નીંદરને મારી મેં તો સાફસાફ કહી દીધું
મારું નમણું આ શમણું નહીં તોડ.

પહેલો દરવાજો જરા સાચવીને ખોલજે
મેહુલા ને મોરલાની જામી છે જોડ,
ભીંજઈ ભીંજઈ હું તો સ્નેહે તરબોળ
સાવન ને સાજનની લાગી છે હોડ. ... મારું શમણું નહીં તોડ. ...

બીજો દરવાજો જરા હળવે ટકોરજે
પ્રેમના મોડમાં હું પાડું કેમ ફોડ,
નીતરતા વ્હાલની ખુદ નજરું ઉતારતી
સ્હેજે નથી ઊગતા ઓલા સૂરજના કોડ. ... મારું શમણું નહીં તોડ ...

ત્રીજે દરવાજે હું તો ગાયબ થઈ લાગશે
સાતમે આકાશે લપઈ હૂંફાળી સોડ,
નશીલી નશીલી હું તો પિયુમાં ડૂલ
કિનખાબી સેજ, રાતરાણીના છોડ. ... મારું શમણું નહીં તોડ ...

નીંદરને મારી મેં તો સાફસાફ કહી દીધું
મારું નમણું આ શમણું નહીં તોડ.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, September 25, 2010

લઘુ કાવ્યો (૨)

ઘાસની લીલી પથારી
મને ખૂબ ગમે છે.
હવે
ક્યાંક એના ઉપર
મટોડીનો નાનકડો એક ઢાળ મારે બનાવવો છેઃ
એક લીલું ઓશિકું બનાવવા માટે ...
લીલાછમ આરામ માટે ...

-----

વસંતના એંધાણે
મલકતી મલકતી કૂંપળો
ડાળ પર જાગેલી કોયલને ચીડવે છેઃ
અમે પહેલા લ્હેકીશું નહીં
તો
તું કેમ કરીને ટહુકશે?

-----


આકાશમાં
વીજળીનો ઝબકારો થયો
અને
મારા બાગમાં
ઓલો આગિયો ગાજ્યોઃ
"જોયો મારો ચમકારો?"

-----


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Friday, September 10, 2010

ગુલાબી, ગુલાબી ...

સપનું ગુલાબી
સ્હવાર ગુલાબી
ગાલ ગુલાબી ...

એ સઘળું આનંદજનક
એ સઘળું આશાસ્પદઃ
એ સઘળી ઊગતા સૂરજને પૂજવાની વાતો,
એક અદના આદમી માટે.

પણ
આવો, તમને બતાવુંઃ
વૃક્ષના છાંયડામાં શ્વાસ લેતો
એક ગુલાબી બાંકડો
એનાં ગુલાબી ચશ્માં
એનું ગુલાબી છાપું
એની ગુલાબી સ્હાંજ.

અને
બાજુમાં બાંધી રાખેલો
એની ગુલાબી ગઈકાલનો િબસ્ત્રો...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, September 3, 2010

કેદી

હું જુગારી છું.
હા, દીકરા
હું, તારો બાપ
બની ગયો જુગારી
આ હથેલીમાં રેખાઓ કોતરાઈ ગઈ તે ઘડીથી.
શું કહું, પાસા સવળા પડ્યા જ નથી.
કારણ સમજ્યો, પણ મોડું મોડું,
હોડમાં હાર્યા પછીઃ
પાસા ઊંચકતો હું એ જ રેખાઓવાળી હથેલીમાં,
પાસા ફેંકતો પણ એ જ રેખાઓવાળી હથેલીથી.

સમાજ તો ચૂંથણાં કરશે જ કે
દીકરાની રગોમાં રેલાઈ રહેવાની બાપની લત, જુગારની.
જુગારીનો દીકરો જુગારી જ થવાનો. કદાચ સવાયો.
પણ, ના ના ના
એ શબ્દો તારે કાને પડે તે પહેલા
જાહેરાત કરવા હું તૈયાર છું કે
તારી નસોમાં ફરતું લોહી મારું નથી.
માત્ર એક જ શરતેઃ

મને તું બાંહેધરી આપ
કે
ક્યારેય
તું તારી હથેલીમાં કોતરાયેલી રેખાઓનો કેદી નહીં બને ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Sunday, June 27, 2010

યાચના

અત્તરની શીશીઓથી લચી પડેલો એક છોડ
બળબળતી સડકની સાવ વચ્ચોવચ.

કાંટાળા લેબાસમાં સુક્કોધડ બીજો છોડ
ઊછળતા સમુદ્રની વચ્ચોવચ.

ઝાળઝાળ ગરમી ને રાતરાણીનો શોર
શીતળ પાણીનાં મોજાં ને જડસુક્કો થોર.

માયાજાળ? કલ્પના રમતિયાળ?
ના, એ તો એક યાચનાનો જુવાળઃ

સતત શક્યો માંહેથી, પ્રભુ પરમ અશક્યે તું લઈ જા ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, May 25, 2010

વસંતટહુકો

પિંજરમાં કેદ થયેલું પંખી
અકળાય છે જરૂર.
પણ
પંખી ધરબાઈ જતું નથી
એ અકળામણથી.

એ તો
રહે છે ટહુકતું
અકળામણને ખંખેરી નાંખીને.

એ જાણે છે
પિંજર અટકાવી નહીં શકે
વસંતબહારને ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, May 9, 2010

મા

સિંદૂરડબ્બી હાથે લેતા, કંકણ પ્રીતનાં રણકે
કાજળ આંજી રાજી રાજી, વેણી રૂપની ઓઢે.

ગુંજી રહે હાલરડું મીઠ્ઠું એ જેવી દોરને અડકે
વ્હાલ જતનનું પીએ બરોબર એમ એ માથું પકડે.

ઝીલી અધ્ધર જીવનો ટૂકડો
બન્ને હાથે જકડે,
અરધાં પરધાં પગલાં નાનાં
આંગળી હેતે પકડે.

માથું ખોળે, માથું નમતું, આશિષ નિત્યે ટપકે
નાની વાતે ગજગજ છાતી, ના ઓવારણાં અટકે.

દીકરી કો'દી ભારે પગલે
એ સપને નીંદર છટકે,
સાડીછેડો છાનો નીતરે
જ્યાં રામણદીવો પકડે.

દીકરો વ્હાલો રૂપરૂપાળો, રાઈ-મીઠે ના અટકે
ઘરની લક્ષ્મી આંગણ લાવી સોંપવા ઝૂમખો પકડે.

પેઢી નવતર ખોળો ખૂંદે, બસ, વ્હાલે વ્યાજ વસૂલે
કાળું ટપકું ગાલે ભરતી કનૈયો હસતી હસતી પોંખે.

મણકા-માળા, રટતી રટતી, ફરીફરીને પકડે
શ્રદ્ધાપથ્થર ધોવા રોજ્જે જળકળશને પકડે
લખલૂટ પામી આભાર તારો, કહેતી દીવો પકડે
ના ફિકર હવે રામધૂનની, ફરી મણકો એ પકડે ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, May 1, 2010

વસંતપક્ષી

કો'ક ટપાલીએ શીખવેલા પાઠ
આ વસંતપક્ષીને કોઠે પડી ગયા લાગે છેઃ
મારું સરનામું એ ભૂલતું જ નથી,
વર્ષોથી . . .

---

ડાળી પર નિરાંત લેતું વસંતપક્ષી
જોયા કરે છે મને
ટગરટગર, વિસ્મય કરતું ઃ
આખો શિયાળો, મારા ટહુકા વાગોળતો
આ માણસ હજી અહીં જ બેઠો રહ્યો છે?!
બસ, મારાં વસંતવધામણીનાં ગીતની આશામાં?

---

હોડમાં ઊતર્યો વસંતટહૂકો
વસંતકૂંપળની સામે.
મહેફિલ જામી,
નવએંધાણે
ઉમ્મર ઓગળી જાણે!


--- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, February 25, 2010

શોધ

એકાંતમાં મગ્ન હોઉં છું ત્યારે
મારામાં ખોવાઈ જવાનું મને ગમે છે.
ત્યારે
તું મને શોધતી નથી એ પણ મને ગમે છે.
ખૂબ ગમે છે.

ટોળામાં ખોવાઈ જાઉં છું ત્યારે
ટોળામાંની એકલતા પણ મને ગમે છે.
પણ ત્યારે
મને શોધતી તારી આંખો જડી જાય છે
એ તો ખૂબ ગમે છે.

હું અને તું સાથે હોઈએ ત્યારે
મૌનમાં ખોવાયેલા
એકમેકને શોધવાની
આવશ્યક્તા પણ રહેતી નથી એ પણ ગમે છે.
એ તો મને ખૂબ જ ગમે છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, February 3, 2010

આનંદ, આનંદ

આ મધદરિયે ઊછળતાં પાણી
અને આ ઘૂમતાં વહાણો,
પેલા પહેલાં વરસાદનાં સહેલાં પાણી
અને એમાં સરતી મૂકેલી હોડીઓ.
આ જ ઘડીમાં જીવવાની ત્યારની એ મસ્તી
નિર્દોષ-આનંદને તાજી કરી ગઈ ...

લગ્ન-સંવત્સરીની ફરી ઉજવણી.
મંડપનાં ફૂલોનો પમરાટ
અને શરણાઈની મીઠ્ઠી ગતો:
તાજા થયેલા તવારીખનાં એ આગવાં પાનાં
અધીર-આનંદ રેલી ગયાં, ફરીથી ...

"મેં તો મર કર ભી મેરી જાન તુઝે ચાહુંગા"
એવી મહેંદી હસનની સુરીલી મશગૂલી
અને તારા ખોળામાં નિશ્ચિંત મૂકેલા મારા માથામાં પડતો
એ મશગૂલીનો પડઘો.
દિલચસ્પ વૈભવની પ્રતીતિના એ ઘેનમાં
હું
પ્રેમ-આનંદની નીંદરે સર્યો ...

ઓરડે ઓરડે દોડાદોડ
અને
દાદર પર થતી ચઢઊતર.
નવી પેઢીનો એ કિલ્લોલ
આ આલિશાન મકાનના
બારી-બારણામાં, આરસમાં, દીવાલોમાં
પ્રાણ-આનંદ રેડી રહ્યા છે ...

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, January 22, 2010

સપનું

જોઉં છું
સામે પથરાયેલો દરિયો - કેવો અસીમ.
જોઉં છું
ઊછળતાં મોજાં - કેવો ઉન્માદ.
જાગે છે
સપનાંનો જુવાળ - કેવી ગજબની તાણ.
મદહોશ, ખોવાઈ જતો, ખુદને શોધતો હું ...

ત્યાં ધ્યાન દોરાયું:
સામેનું બહુમાળી મકાન
ભેગા કરેલા કચરા અને એઠવાડની પ્લાસ્ટિકની બેગો
કચરાપેટીમાં નાંખવા જતો એક જીવ.
ખભે અને માથે એ બેગોનો બોજ.
કેટલો ભાર, કેવો ભાર ...

એકાદું સપનું પણ એને નહીં?
એવું કેમ?

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, January 19, 2010

વિનંતી

જોજનો કાપવા છે મારે પગને થાકવા ના દેશો
હાર્યાને હાથ દેવો મારે દમને હારવા ના દેશો.

નવાજે છે સ્નેહથી મિત્રો હુંફાળા ઘેરે આતમજન
મહેફિલને માણવી છે મારે નશામાં ડૂબવા ના દેશો.

રણની સાવ સૂક્કી છે રેતી કિનારે ભીંજાયેલી રેતી
તફાવત કેટલો કેવો સમજને ભૂલવા ના દેશો.

સુખ કેવું તરબતર મારે અને લોક તરસ્યું છે ચોગરદમ
પરબની માટલીને કોઈ કાંકરી વાગવા ના દેશો.


--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, January 2, 2010

વિજય

બારી બારણાં બંધ કરીને બેઠો'તો
તોયે
ઘૂસી ગયો
વાદળનો તોફાની ગગડાટ.
એ ગગડાટ વિમાસણમાં પડ્યો
માથું પછાડી, આવ્યો તેવો પાછો ફર્યો:
આ દીવાલો તો
મેઘ-મલ્હારના તાનમાં ગુંજી રહી છે ...

ગાઢ નીંદરમાં સોડ તાણીને સુતો'તો
ત્યાં ઊભરતાં આવી પડ્યાં
તાણવા માટે આતુર શમણાનાં પૂર.
વિમાસણમાં પડ્યાં, મધ-ઉછાળે શમી ગયાં
માથું પછાડી, આવ્યાં તેવા પાછા ફર્યાં:
આ માથાધારી તો
મ્ર્રુગજળને પચાવી બેઠો છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન