Friday, October 12, 2012

ઝાકળ


  ઝાકળટીપું
પત્તી પીએ, ટટ્ટાર
  કરોડરજ્જુ.
   ---

  ઝાકળપ્યાલી
ખાલી ખાલી, હસતો
  સૂરજ ખંધું.
   ---

 ક્ષણજીવી છો
શબનમચાદર
 થૈ શૈયા તાજી.
   ---

      
       -- ચંદ્રેશ ઠાકોર
       નોર્થવિલ, મીશીગન



Thursday, September 27, 2012

જાહેરખબર (૨)


 ઈન્સ્પેક્ટર સાહેબ
ક્યાંથી જડી તમને મારી શેરી?

અલા, જ્યાં તેં ખોઈતી ત્યાંથી જ.
લે, સંભાળી લે અને હવે બરોબર સાચવજે એને.

આ મારી શેરી? અરે સાહેબ,
મશ્કરી છોડો.
મારી ખોવાયેલી શેરી ક્યાં અને આ ક્યાં?
સ્નાન-સૂતકનો સંબંધ પણ એમને અશક્ય છે.

વર્ણનમાં, સાહેબ
મેં મારી શેરીને રળિયામણી નો'તી ગણાવી?
આના દેદાર તો જુઓઃ
ધૂળ તો ઠીક, પણ આ ગંદવાડ?
મારી શેરીની ભંગિયણ, એનું નામ હતું કંકુ                                                                                                                               અને શેરીની સફાઈ હતો એનો પરમ ધરમ. 
ના સાહેબ, આ મારી શેરી નથી ...

અને સાહેબ, 
મેં મારી શેરીના કલ્લોલની વાત નો'તી કરી?
જવા દો ને એ વાત જ અહીં.
કલ્લોલ તો છોડો,
નથી દેખાતા કોઈના મ્હોં પર ઉલ્લાસ કે આછકલું સ્મિત. 
ના સાહેબ, આ મારી શેરી નથી ...

અને, હવેલીઓની જગાએ આવા ખંડેર?
રામજી મંદિરનો ઘંટ પણ સાવ મૂંગો?
પેલા જનોઈ પે'રીને ફરતા બ્રાહ્મણો ક્યાં?
અને ઊગતા સૂરજને કોઈ અંજલિ પણ આપતું નથી?
ના સાહેબ, આ મારી શેરી નથી ...

સાહેબ, મારી શેરીમાં રોજ આવતાઃ
ઈબ્રાહીમ ટપાલી 
બરફના ગોળાવાળો મહ'મદ  
મહ'મદ કડિયો
ને નાના બાળકો પણ ઓળખતા 
અે સફેદ દાઢીવાળા હાજીચાચા.
અમારી આખી હિંદુ શેરી સાથે એ બધાને ઘરવટો હતો.
સાહેબ, શું કહું તમને?
અમારા સંબંધ હિંદુ-મુસલમાનના સંબંધ નો'તા.
ના સાહેબ, આ મારી શેરી નથી ...

અને સાહેબ, મારી શેરીના ચોકમાં 
હતો એક ચોરસ બાંકડો. સીમાસ્થંભ સ્વરૂપ.
  સ્હવારના કૂણા તડકે અને સંધ્યાકાળે
ત્યાં જામે ચાર-પાંચ વયોવૃદ્ધ સ્ત્રી-મુરબ્બીઓનો અડ્ડો.
ગામપંચાત ભલે ત્યાં થતી'તી, પણ સાહેબ,
કોઈ પણ અણજાણ વ્યક્તિની દેન નો'તી 
કે ત્યાંથી પસાર પણ થઈ શકે
એ જાજરમાન વડીલોની ઉલટતપાસ વગર!
હવે તો, બધા જ અણજાણા.
કોઈને પડી લાગતી નથી કે કોણ આવ્યું ને કોણ ગયું.

ના સાહેબ, ના, ના, ના
આ મારી શેરી નથી જ નથી ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, September 8, 2012

જાહેરખબર (૧)


ખોવાઈ ગઈ છેઃ 
એક શેરી.
બાળકોને છપ્પા-થપ્પા રમાડતી રમાડતી
સંતાઈ ગઈ છે એ જાતે જ.
આજે વર્ષોથી. જાણે, કાયમ માટે.

વર્ણન?
ખૂબ રળિયામણી. 
હંમેશ, કલ્લોલ કરતી.
લખોટા, કોડીઓ, ભમરડા
લંગડી, ક્રિકેટ, આટાપાટા ...
બસ, ગમ્મત ગમ્મત.
ખાબોચિયામાં બાળકોની છબછબ,
જુવાનિયાઓની એના નાકે ગપસપ.
આવતી-જતી છોકરીઓ વિષેની, 
એમના લટકા-ચટકાની.
ભલે ને બે-ચાર મિનીટ માટે, પણ રોજ જ.

ફોટો?
ફોટો તો નથી.
એની જવાનીના દિવસોમાં
શેરીના ફોટા કોણ પાડતું'તું વળી?
તોયે, એના ચિત્રની એક નકલ છેઃ
મારા અંતરતમમાં અંકિત!

પણ, એ નહીં આપું તમને.

હા, હું શોધું છું મારી શેરીને. 
અધીરો થઈને શોધું છું.
પણ, 
એ શોધમાં, ગુમાવી બેસું
અંતરમાં સ્થાન જમાવી બેઠેલી એ નકલને તો? 
અં, અં
વિખૂટા નથી થવું મારી શેરીના ચિત્રની એક માત્ર નકલથી...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, July 10, 2012

મદિરા


    ડાહી ડમરી  
  પ્યાલીમાં બેઠી, જુઓ     
    ગળે ઊતારી!
---
    શરાબ એ જ
  ઘૂંટાય નશો, સાકી
    કરે જે જાદુ!
---
      શીશે શરાબ
   મ્યાને તલવાર
     છંછેડો નહીં ...
---
     ભાન બેભાન
  શીખવે કોણ? આ તો
     છે મધુશાળા.
---

              -- ચંદ્રેશ ઠાકોર
              નોર્થવિલ, મીશીગન

Monday, May 7, 2012

મયખાનું


મયખાનું

ઈશ્વર?
તું અહીં? મયખાનાંમાં?
તને ખબર છે
  આમજન
મયખાને કેમ આવતા હોય છે?
રોજબરોજના ઢસરડામાંથી નીપજતી મુસીબતોને  
સાકીની પ્યાલીમાં ડુબાડવા માટે.

ઢસરડો? મુસીબતો?     
તને ક્યાંથી એનો અંદાજ હોય?
પણ, મયખાને આવ્યો જ છે
તો એ બધું સમજી લે તો સારું.   

હું નાસ્તિક તો નથી જ, પ્રભુ!
પણ, ચુસ્ત આસ્તિક પણ નથી.
એ હરોળની એક પારથી
બીજી પાર મને લઈ જવો હોય
તો, તો: નીલકંઠ તું
ઘોળીને ગળે ઉતારી દે એ બધી આમમુસીબતો.

અને, ધોઈ કરીને ઊંચે મુકી દે
મયખાનાંની બધી જ પ્યાલીઓ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, April 24, 2012

હું અને તું


  ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
  રૂ-હથોડીએ.
     ---
  મોરપીંછ તું
સ્થાપી મુગટે, થાઉં 
  હું તો ક્હાનો! 
     ---
  મેઘધનુ તું
નાકામિયાબ પીંછી
  હું એકરંગી.
     ---
   હું તો પથ્થર
ટાંકણું તારું, વાહ     
   ક્યા બાત હૈ?!
     ---

-- ચંદ્રેશ ઠાકોર
      નોર્થવિલ, મીશીગન

Saturday, March 24, 2012

લઘુ કાવ્યોઃ (૭)

ફોરમને
મેં તારા અંતરનું બારણું ઠોકતાં
અને
વિનવણી કરતા સાંભળી છેઃ
માદરે વતનની ધૂળ માથે ચડાવવા
મને અંદર આવવા દો ...

---

તારા અસ્તિત્વના પડઘા પાડતો

રાતરાણીનો છોડઃ
ભલે ને
દિવસ દરમિયાન એ સૂઈ જતો હોય.
પણ
એ સુગંધી પડઘાને સૂવા નથી દેતો ...

---


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, March 12, 2012

ઈગ્વાસુ ધોધ

ઈગ્વાસુ ધોધ એ કુદરતની બેનમૂન કરામત અને પ્રચંડ શક્તિનો માત્ર એક નમૂનો. પણ, એના સાન્નિધ્યમાં ગાળેલો સમય ચીરસ્મૃિતમાંથી ક્યારેય ભુંસાવાનો નહીં. એવો એનો પ્રભાવ. એનો અમાપ વિસ્તાર, પાણીનું એ અક્ષયપાત્ર, અને એના ઠલવાયે રહેતા પાણીના પ્રવાહનો જોશ માનવી કેટલો વામણો છે એની એક અનુપમ પ્રતીતિ હર પળે કરાવતા રહે છે. પણ, વામણાપણાની એ અનુભૂતિમાં મને કંઈ નાનમ ના લાગી. બલકે, કુદરતની એ કરામત અને પ્રચંડ શક્તિ માટે અનેરા માનનો આવિષ્કાર થયો. અને એ વૈભવ અને શક્તિ મ્હાલવા મળ્યા એ ખુશનસીબી માટે ધન્યતાની લાગણી થઈ.

અને એ મહાકાય ધોધને ક્યારેક ધુંધળો બનાવી દે અને ક્યારેક સદંતર ઢાંકી દે એવું ધુમ્મસ પણ એ જ કુદરતની બીજી કરામત. ધુમ્મસ અને ધોધ. જાણે ડેવીડ અને ગોલાયથ. ધસમસતો ધોધ. મખમલી ચાદર જેવું ધુમ્મસ. કોઈ સામનો કરવા કોઈ જાય તો એના ભૂક્કેભૂક્કા કરી નાંખે એવી એ ધોધની તાકાત. અને જેની નજાકતને છંછેડવાની સ્હેજે હિંમત ના થાય એવી એ ધુમ્મસની મુલાયમતા. બે વચ્ચે જાણે ગજગ્રાહ જામ્યો. જો કે હકીકતમાં એ દ્વંદ્વયુદ્ધ નો'તું. એ તાકાતવંત ધોધ તો જાણે સાવ પરવશ હતો. પેલી મુલાયમ ચાદર પોતાની મનસુબી મુજબ પથરાઈ જાય. ધોધને સાંગોપાંગ ઢાંકી દે. સાવ અદ્રશ્યમાન કરી નાંખે. માત્ર એની ગર્જના સિવાયનું ધોધનું સમગ્ર અસ્તિત્વ જાણે અલોપ! અને એવા ધોધની તાકાતની બે-પાંચ મિનીટ પુરતી જાણે દયા ખાતી હોય એમ એ ચાદર, ઓચિંતાની, આપોઆપ સમેટાઈ જાય. એકપક્ષી ઢાંકપિછોડીની રમત જાણે. એ ચાદરથી વિરાટકાય ઈગ્વાસુ ઢંકાઈ ગયેલો હોય તોયે એના ઘૂઘવાટનો રુઆબ એવો જ સંભળાય. અને એ ચાદર જ્યારે સમેટાઈ જાય ત્યારે એક નવોઢાનો ઘૂંઘટ જાણે ખુલ્યો. ધોધનું સૌંદર્ય એટલું જ અકબંધ.


એને ફરી ઊજવવાનું, એ મુલાયમ ચાદર ફરીથી પથરાઈ જાય ત્યાં સુધી!


ધોધ અને ધુમ્મસ, જોશ અને મુલાયમતા ... સ્મૃિતપટમાં કાયમ અંકાઈ રહેવાને સર્જાએલી ઈગ્યવાસુની મુલાકાત એક-બે સબક પણ કાયમ માટે કંડારી ગઈ છેઃ મુલાયમતા પ્રાબલ્યને હરાવી શકે છે, મુલાયમતા જોશને લાચાર બનાવી દે છે. પણ, મુલાયમતાને એ લાચારી કાયમી બની રહે એની જીદ નથી હોતી. સહઅસ્તિત્વની આવશ્યકતા એને પણ હશે? ...

Sunday, March 4, 2012

સુખ

આકાશ નીલું ના ડાઘ ક્યાંયે
સૂરજ પણ કેવો ઉદાર આજે
વાગોળીશ તડકો થઈ કામધેનુ
ભલેને કાલે વરસાદ આવે ...

આ કિલકિલાટ કેવો આ સુર કેવો
જામી છે કેવી જુગલબંધી આજે
પડઘા બધા આ સંઘર્યા કરું છું
પછી ભીંતે ભલેને ભેંકાર આવે ...

તરબતર હવા છે રંગે સુગંધે
ગુલમ્હોર નાચે ને બાગ ગાજે
મસ્તીની ભરતી ઊછળતો રહું છું
ભલે ઓટ લઈને સ્હવાર આવે ...

લાવ્યો હતો શું શું લઈ જવાનો
પામ્યો છું અઢળક ખુદાની મહેરથી
ખુલ્લી કરી દઉં આ વૈભવની ગઠરી
ભલેને કાલે દુકાળ આવે ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, February 15, 2012

લઘુકાવ્યો (૬)

હરિફાઈ

મહાભિનિષ્ક્રમણ માટે
શ્વાસ ભલેને
ટટમટ તૈયાર થઈને બેઠા હોય.
પણ
ઠઠારો કરીને બેઠેલી જીજીવિષાની
હરિફાઈ એમને કરવાની છે.
અને
ઇતિહાસ જીજીવિષાની પડખે છે ...

-----

જાકારો

હાંફળીફાંફળી
પાનખર
પાછી વળી ગઈ મારા પહેલે પગથિયેથી જઃ
વધામણી માટે ના પામી એ
કંકુ
ચોખા
નારિયેળ
કે ફૂલ ...

-----


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, February 6, 2012

લકીરો

આદિકાળથી
તું
લકીરો કોતરતો રહ્યો છે.
એની કોઈ પૂર્વયોજના ખરી?
કે પછી
સ્હવાર પડે અને કામ પર ચઢવું તે ચઢવું?

વચ્ચે વચ્ચે
આરામ કરે ખરો?
ક્યારેક તો ખાલી થતી જ હશે ને
તારી મહેરબાનીની ગઠરી?
એક ગઠરી ખાલી થાય ને
બીજી ખૂલે એ દરમિયાન શું?
તું એકાદું ઝોકું ખાઈ લે?
કે પછી
એ વચગાળાની લકીરો કોઈ કમનસીબની હથેલીએ?

મારે
જોવું છે તારું ટાંકણું.
જોવી છે તારી હથોડી.
સમજવો છે એ રેખાઓનો ઉદ્ભવ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, January 25, 2012

હાઈકુ (૪) ઃ બાંકડો

બાંકડો પીએ
જીવનનિચોડનો
અર્ક મીઠ્ઠો.
---
બાંકડો ઊભો
શેરીનાકે ઝાંખપ
અવગણતો!
---
બાંકડામેળો
ચકડોળો ફરતી
ગઈકાલમાં.
---
ગરબે ઘૂમે
બાંકડો, લાકડીને
દઈ ફંગોળી.
---
બાંકડો બેઠો
વાગોળે છે ઠૂમકો
વૈજયંતિનો.
---

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, January 15, 2012

લઘુ કાવ્યો (૫)

મોર એની શય્યામાંથી ઊઠે
મોરપીંછના પુરા શણગાર સાથે
ટહુકાના રણકાર સાથે ...

મોગરો એની નીંદરમાંથી જાગે
પુરી તાજગીથી
અને સુગંધથી તરબતર ...

મોર અને મોગરો એવા પાઠ શીખવી શકે?
માનવી એ પાઠ શીખી શકે ?
-----

ટહેલતો ગયો હું તો ચમનમાં
જોવાને
ફોરંતાં અને ફોરમતાં ફૂલોને.

દંગ થઈ ગયો હું તો
જોઈને
ડાળીએ ડાળીએ તારા જ ચ્હેરા ...
-----

ઝળહળતા તડકાને
કેમેરામાં કાયમી ઝડપવા માટે
એને જીવંત કરવા માટે
અરે, સાચે જ એને બોલતો કરવા માટે
અનિવાર્ય થઈ પડે છે
નિર્જીવ
અને કાળોધબ્બ
છાંયો ...
-----


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Wednesday, January 4, 2012

એકાંત

આંખ ખુલ્લી છે
પણ, મીંચાયેલી છે ...

ટોળું ઊભરાય છે
પણ, મને કોઈ દેખાતું નથી ...

ઘોંઘાટ ઘેરી વળ્યો છે
પણ, સંભળાય છે માત્ર અંતરનો અવાજ ...

એકાંત, આભાર તારો
તેં જે ખજાનો ધર્યો.
બસ, હું ઉજવું છું એ વૈભવ ...

બિચારો એ
જે ટોળે ઘેરાતો રહ્યો, અટવાતો રહ્યો.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન