Friday, December 6, 2013

રૂપ


મા,
ક્યારેય પણ મેં તારી આંખમાં કાજળ નો'તું જોયું
ક્યારેય  મેં તારા હોઠ પર લિપસ્ટિક નો'તું જોયું
ગાલ પર નકલી લાલી કે ગળે હીરાનો હાર
નો'તો લીધો તેં કોઈ પણ  એવો અધકચરો આધાર …

પણ, તારી આંખોમાં અને હોઠ પર અને ગાલ પર અને ગળામાં,
અને આયુષ્યની અનિવાર્ય બાદબાકી પછી 

તારા હાથની અને મ્હોંની  ચામડીમાં પડેલી કરચલીઓમાં 
મેં જોયું'તું 
તારું અંતર:
એનો ઉજાસ, એની નિર્મળતા, એની ચમક, એની દમક …

કોઈ  નહીં કરી શકે તારા એ અંતરના રૂપનો મુકાબલો.

મારે માટે તો એ જ  રૂપ રૂપ  હતું … 

----

Monday, November 18, 2013

રાહત



નેવાંની દુનિયામાં ફેલાઈ છે 
એક જબરજસ્ત અફવા,
એક ક્રૂર અફવા ઃ
દરિયો, સુરજ, વાદળ, વરસાદ 
એક સાથે હડતાળ પર ઉતર્યા છે …

નેવાંનું તો અસ્તિત્વ વેરણછેરણ …

તો હવે 
પેલી વિયોગીનીના અંગમાં ભોંકાતી સોયો પણ
હડતાળે ઉતરશે ને?


                    ---

Friday, March 22, 2013

જાવન-આવન


ભૂલી જાવ
ઓગળું ઓગળું થઇ રહેલો
વેરવિખેર પડેલો આ બરફ ...

ભૂલી જાવ
ભર બપ્પોરે ઘેરી લેતી 
ધૂંધળી એ ગમગીની ...

દિવ્યચક્ષુ ચઢાવ્યા છે શિયાળાએ.
જુએ છે
કંઈક કોયલકુટુંબોને બિસ્તરા બાંધતા
એમની વસંતસફર માટે,
અને પીગળી જાય છે ...

શિયાળો પણ
એના બિસ્તરા પર ફૂંક મારી રહ્યો છે …
             ---

Saturday, February 2, 2013


શબ્દ


કવિ મદારી?
હા, કરે છે રોજ એ
ખેલ શબ્દોના ...
    ---

કેમ રે લખું
હાઈકુ? છે અક્ષરો
સાવ કંજૂસ!
    ---
   
જમીનદોસ્ત
થાય લાચાર શબ્દો,
મૌન મલકે!    
    ---