Saturday, February 22, 2014

નિજાનંદ, નિજાનંદ

નિજાનંદ, નિજાનંદ
નહીં ટોળે નહીં મેળે નહીં ડાળે નહીં માળે
 બસ, અંતરે મલક મલક
                           નિજાનંદ, નિજાનંદ …

ના ડુંગરને ખોદવો ના દરિયો ઉલેચવો
મારું જગની લટાર હું તો બેઠો બેઠો
ગામમાં શીદ શોધવું છે કેડે ફરજંદ
                           નિજાનંદ, નિજાનંદ …

પાસાને જેમ તેમ પડવાંની ટેવ
ને લકીરોનાં ઝોકાંનો કરવો શો ખેદ
વરસે કે વિખરે એ જ વાદળના ઢંગ
                            નિજાનંદ, નિજાનંદ …

જીવતરની ભેટ એક અનોખું નજરાણું
અને પામવું તે માણવું એ જ છે લ્હાણું
રાખમાં પણ હોય છે ભભૂતીનો છંદ
                            નિજાનંદ, નિજાનંદ …
                  -----

Thursday, February 13, 2014

પ્રગતિ?

અરે, દાયકાઓ વીતી ગયા એ વાતને.
વર્ષો પહેલાની મારી દુનિયામાં  હું
રમત નો'તો રમતો,
લમત લમતો'તો!
લમતો લમતા લમતા 
કમાલની થઇ:
ટપકાં જોડવાંમાંથી લખોટા ટીચતા પછી આટા પાટા
પછી હાર જીત અને આંટી ઘૂંટી 
અરીસાની અવગણના અને કાવાદાવા ...

જાતજાતની રમત રમતો થઇ ગયો.
કોઈ કહે હું પલોટાયો ...

ના, ના
મારે ફરીથી
લમત લમવી છે ...

---