Wednesday, January 4, 2012

એકાંત

આંખ ખુલ્લી છે
પણ, મીંચાયેલી છે ...

ટોળું ઊભરાય છે
પણ, મને કોઈ દેખાતું નથી ...

ઘોંઘાટ ઘેરી વળ્યો છે
પણ, સંભળાય છે માત્ર અંતરનો અવાજ ...

એકાંત, આભાર તારો
તેં જે ખજાનો ધર્યો.
બસ, હું ઉજવું છું એ વૈભવ ...

બિચારો એ
જે ટોળે ઘેરાતો રહ્યો, અટવાતો રહ્યો.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, December 25, 2011

તારું સ્મિત

તપ્ત સુક્કી માટીને પણ સાંગોપાંગે ભીંજવી દે
એવું તારું સ્મિત
મન મુકીને વરસી એને મ્હેક મ્હેકાવી રિઝવી દે
એવું તારું સ્મિત.

કાળા ભમ્મર વાદળિયાંને બેફામ ગગડતું રોકી દે
એવું તારું સ્મિત
ડાળ ઉપરથી સાવ સુક્કુંયે પાન ખરંતું અટકાવી દે
એવું તારું સ્મિત.

ટપકટપકતાં નેવાં પણ એ દુરદુરથી સૂકવી દે
એવું તારું સ્મિત
હિમ થીજેલા હૈયાને બસ પળભરમાં ઓગાળી દે
એવું તારું સ્મિત.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, December 15, 2011

લઘુ કાવ્યો (૪)

આજે રજતજયંતિ
કાલે સુવર્ણ, પછી અમૃત.
એમ, માપણી બધી વર્ષોમા જ.
દુનિયાની એ છે બહુ જુની ટેવ.
મારી માપપટ્ટી તો બહુ નાની,
માત્ર ક્ષણો જ છે એમાંઃ
રજતક્ષણ
સુવર્ણક્ષણ,
અમૃતક્ષણ ...

-----

પાળિયા રોજ રોજ ઠોકાય છે
સૂરજની છડી પણ રોજ રોજ પુકારાય છે.

પારણાં પણ રોજરોજ બંધાય છેઃ
પાળિયા રોજ રોજ ઠોકાય છે એટલે નહીં,
સૂરજ રોજ રોજ ઊગે છે એટલે ...

-----

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Thursday, November 24, 2011

બ્રેઈન ટયુમર**

આ તો બ્રેઈન ટયુમર છે.
એની પાસે અમીદ્રૃષ્ટિની અપેક્ષા ના રાખશો.
એને આંખ જ નથી,
તો અમીદ્રૃષ્ટિ ક્યાંથી નીતરે?
એને કાન પણ નથી.
કોઈનીયે કાકલૂદી એ નહી સાંભળે.
જો કે, હાથ નથી તોયે
એના શિકારદર્દી પર
એ ખંજર હુલાવતું જ રહે છે.
સતત.

દયાળુ ઈશ્વરનું સર્જન આટલું નિર્દય?

ઈશ્વર,
તેં માંડેલી આ શતરંજની બાજીમાં
વજીરનું સ્થાન, જાણે, તેં બ્રેઈન ટયુમરને આપી દીધું.
અને ઉપરથી એને ચોર્યાશી લાખ અવતાર પણ?
લાગે છે, તું ગોથું ખાઈ બેઠો.
સાવ માનવસહજ.
પણ એવી ભૂલ થાય
તો, એનું માનવસહજ પ્રાયશ્ચિત પણ કરી શકાય.

શતરંજની બાજીમાં, જોયું છે, ક્યારેક
પ્યાદાં પણ જીતી જાય છે.
શક્ય છે
પ્યાદાં એમની વ્યુહરચનાને વધુ તીક્ષ્ણ બનાવે,
એમના નખને ન્હોર બનાવી દે.
એમના એવા સંભવિત વિજયની ઘડીએ
ગેરસમજ ના કરતો પ્રભુ કે
પ્યાદાં
તારી શક્તિનો પડકાર કરી રહ્યાં છે,
તારી શક્તિનો ઉપહાસ કરી રહ્યાં છે.
એને ગણજે તારી જ સર્જેલી માનવશક્તિનો વિજય.

તો, પરવરદિગાર, આવ
પ્યાદાંને તારા દોરીસંચારનો લાભ આપ.
સુત્રધાર થઈ જા એમના શત્રુના નિકંદન માટે,
એ બ્રેઈન ટયુમરના સદંતર િવનાશ માટે.

અને આવ અમને મળવા.

આપણે મળીશું પ્યાદાંના વિજયક્ષેત્રમાં,
બ્રેઈન ટયુમરની સ્મશાનભૂમિમાં.

તારી રાહ જોતું બેઠું હશે સમગ્ર માનવજગત.
અધીરું થઈને.
કુંભમેળામાં ઊભરાતી માનવમેદનીને પણ ઝાંખી પાડી દે
એવો જનસમુદાય ઊમટ્યો હશે.

બ્રેઈન ટયુમરની ચીરવિદાય માટે.

અને, સાચું કહું?
રડીખડી એકાદી આંખ પણ ભીની નહીં હોય ...


**(બ્રેઈન ટયુમરના ભોગ બનેલા એક પરમ મિત્રની સ્મૃિતમાં ...)


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Wednesday, November 2, 2011

કાયાપલટ

ઘૂંટણિયા તાણતું પારણું
ધીમે ધીમે
એના સીમિત ખંડની ચાર િદવાલોમાંથી
બહાર નીકળ્યું.
વળાંકે વળાંકે ભટકાયું,
આમતેમ જરા ઠોકાયું,
અનુભવે ઘડાયું,
અને
એક િદવસ,
જાણે જોતજોતામાં,
એની કાયાપલટ થઈ ગઈ.
લોકોએ એનું નામ પણ બદલી નાંખ્યું.

એનું નવું નામઃ બાંકડો.

પેલા સીમિત ખંડની ચાર િદવાલો છોડીને
હવે બાગની મોકળાશ એ માણે છે,
ઝાડ નીચે બેસી ભૂતકાળની મીઠાશને વાગોળે છે,
ખુશનસીબને થાબડે છેઃ
માટીની સોડમ, કોકરવરણો તડકો, ખુશનુમા ઠંડક,
કોયલનો ટહૂકો, નવી કૂંપળો, હરિયાળી, ફૂલફળાદિ ...
મુશળધાર મહેરબાની ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, April 29, 2011

ઉધામા

રેતીને
જો
આસાનીથી ઓગાળી શકાય
તો, સહરાનું રણ
એટલાન્ટિક સમુદ્રની હરિફાઈ કરી શકે
અને, કદાચ જીતી પણ જાય!

પાણીની
જો
ઢગલી કરી શકાય
તો, એટલાન્ટિક સમુદ્ર
હિમાલયની હરિફાઈ કરી શકે
અને, એ પણ કદાચ જીતી જાય!

પણ, સબુર!
અશક્ય પાછળની
એ આંધળી દોટ પછી પામવાનું શું?
એક ડહોળો દરિયો, અને
એક પાણીપોચો પર્વત?


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન..

Saturday, April 16, 2011

સૈનિકકુટુંબ (૧)**

સૈનિકસંતાન

તું જાય છે
અને
મારા વાળમાં
તારી આંગળીની ધ્રુજારી મુકતો જાય છે.
પણ, ચિંતા ના કરીશઃ
તું પાછો ફરે એની રાહ જોતો
હું
મારા બાળપણને તારે માટે સાચવી રાખીશ
મારી રમતોને પણ અભરાઈ ઉપર ચઢાવી દઈશ
અને
તારી રાહ જોતો
માથે ઊડતા દરેક િવમાનને
ટગરટગર જોયા કરીશ,
રોજ રોજ ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૨)**

સૈનિકમાતા

તું જાય છે
અને
શૂર જણ્યાની ખુમારીનું મારું નૂર
એટલું ચમકાવતો જાય છે
કે
આંસુ પણ અટકી પડે છેઃ
રાહ જોતાં, ધીરજ ધરતાં
એ દિવસની
જ્યારે
તું પાછો ફરશે
અને
વિજયપતાકે મારી ખુમારીની ટક્કર ઝીલતો
ખુદ મને જ ઝીલી લેશે ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૩)**

સૈનિકપિતા

તું જાય છે
અને
મૂંગી નજરે
જાણે કંઈ કેટલુંયે કહેતો જાય છે.
પણ હું?
તારો ખભો બસ બે જ વાર થાબડીને થંભી ગયો
લાખ શબ્દે સાવ અવાચક થઈ ગયોઃ
દિવાસ્વપ્ને જોતો
તને પાછો ફરતો
શબ્દે એટલો જ કંગાળ તોયે
તારા ખભાને, બસ, હું હચમચાવી દેતો ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૪)**

સૈનિકપત્ની

તું જાય છે
મને જ ખબર મને શું થાય છે.
મારા હોઠ પરના માંડ બે-ચાર શબ્દોમાં
મારું આંસુ સંભળાઈ જાય
તો માફ કરજે.
હું શું કરું?
કંચુકીમાં ગર્વ સમાતો નથી એની પીડા
નિર્દયતાથી આંખમાં છલકાય છે.
પણ
એ જ ભીની આંખ
તું પાછો ફરશે
એ દિવસની રાહ જોતી
આકાશમાં અને અવકાશમાં ફરીફરીને
આપણા શયનગૃહની છત ઉપર ટીકીટીકીને
છેવટે
આપણા ઉંબરને ધોઈ ધોઈને
ત્યાં જ વળગી રહેશે ...


સૈનિક

હું જાઉં છું
અને
જાઉં એ પહેલા
હું જ જાણું
હું કેટલો વેધાઉ છું ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન