Tuesday, March 8, 2011

દરિયાપાઠ

અંતરની છોળો ઊછળે એવી કે થાય મને દરિયાની જેમ હું હિલોળું
તોડવા ખડકને રોજરોજ પટકું પછી હળવેથી શ્વાસ લેતા શીખું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

દરિયાનો બાગ સાવ ખારો ખારો પણ એની ભીતરે પાકે છે મોતી
આવરણની ભાતના રૂપને છોડી જરા અંતરની કેડી લઉં ગોતી
ને મારો છિપલાંનો ફાલ હું ઉતારું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

ખળભળ દિનરાત હોય તોયે ના અટકે એનાં ઘૂઘવતી લ્હેરોનાં ગીત
મારી હલચલની નહીં રે વિસાત તોયે રુંધું મારી તર્જ્યુંના મિત
બસ, મારા સુતેલા સાજને જગાડું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

અંતરે છુપાવેલી સ્રૃષ્ટિ એની જોઈ થાય દિલના દરવાજા હું ખોલું
અસીમ એ ઉદારતા ને અગાધતા જોઈને દરિયાવદિલી હું જરા સમજું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

1 comment:

  1. ચંદ્રેશભાઇ કાવ્ય પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને દાદ આપવી જ પડે.ગીત વધારે નિખાર્યું છે.સરસ

    ReplyDelete