Tuesday, December 29, 2009

વન્સ મોર ...


ક્યારેક તો પડદો પડશે જ
આ તખ્તા ઉપર.
નથી લેશમાત્ર પણ ઉતાવળ
કે ઈંતેજારી એના પડવાની.
હા,
જરા કુતૂહલ ખરું કે
ખેલ કેવો ભજ્વ્યો.
જાણવાની તાલાવેલી પણ ખરી કે
"વન્સ મોર" મળશે ખરો?

દ્વિધામાં પડ્યો:
"વન્સ મોર" મળે તો પણ એ
માત્ર વિવેકસૂચક હશે
કે
નર્યા શોરબકોર સાથે?

ત્યાં,
કાનમાં કંઈક ગુસપુસીનો અણસાર થયો.

સહેજ ડોકી ફેરવીને જોઉં
તો, ઊભા હતા
અર્જુનના એ પરમ સૂત્રધાર ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, December 16, 2009

લઘુ કાવ્યો

"ખાધું, પીધું, અને રાજ કર્યું"

એક આશાવાદીને,
વીજળીના તાર પર બેસીને
સંવનન કરતાં બે પારેવાંને જોઈને
આવેલો વિચાર ...


---

જો
અંતરમાં એકાદી તરજ ગૂંજશે
તો,
અને ત્યારે જ,
એ સંગીન સત્ય સમજાશે
કે
જિંદગી એક મહેરબાન મહેફિલ છે ...


---

વર્ષોથી ઊંડે દટાઈ રહેલા પથ્થરો
તરસના સોસથી
સહેજે પીડાય નહીં
એની ચિંતા
વાદળને અને ધરતીને.
હંમેશ.
એટલે જ વાદળને વરસવાની
અને ધરતીને શોષવાની આદત પડી ગઈ છે ...


-- ચંદ્રેશ ઠાકોર

Friday, November 27, 2009

અત્તર

તને ઊંચકી લેવા માટે
એકાદા શબ્દનો પણ આશરો લીધા વિના
મને મીણ બનાવી દેતી
તારા લંબાવેલા હાથની એ તાલાવેલી ...
નાનકડી ખંજની કંડારીત
તારા મુખને મુખારવિંદ બનાવતું
તારું લખલૂટ એ સ્મિત ...
ક્યારેક નિર્દોષ મસ્તીએ ચઢતા
નશીલા અટ્ટહાસ્યને સાથ દેતી
તારી કર્ણપ્રિય એ ચિચિયારીઓ ...
અને
પેલા પ્લાસ્ટિક્ના ડબલાના
કે ચીંથરાના જિરાફના ખજાનાને માણતી
તારી એ અમીરી ...

એ બધું
મારે તો એક શીશીમાં ભરી દેવું છે
એનું પૂમડું બનાવવું છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, November 19, 2009

એકદમ

એકદમ,
વસંતની જાણે આજ વેણુ વાગી
ફૂલના છોડ પર કળી લાગી
વ્રુક્ષની ડાળીએ કૂંપળ ફૂટી.

એકદમ,
વર્ષાએ ધરતીને વ્હાલેથી ધોઈ
સૂરજની નવતર એક કિરણી ડોકઈ
મેઘધનુની નવલી રંગોળી થઈ.

એક્દમ,
આશા જાગી
અભિલાષા ગાજી.

એકદમ?
ના, ના
એકદમ નહીં.
દિવસો, દિવસો, અને દિવસો સુધી
જતન કરી કરીને કૂખે ઘેલી
એક જનનીને હેતની હેલી આવી
અને સાચે જ
એક્દમ
વસંતની આજે વેણુ વાગી ...

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, November 6, 2009

વસંત

પાનખરે ખરેલા પાનને
પવનના હળવા ઝોકમાં ઊડતું જોયું
તો યે
મને વસંત યાદ આવી ...

પાનખરે ખરેલા પાનને
પવનના હળવા ઝોકમાં ઊડતું જોયું
એટલે જ
મને વસંત યાદ આવી ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, November 1, 2009

બોન્સાઈ

મને કબીરવડ કહીને લોક ખંધું હસે છે ...

સાચે જ
બે મૂઠેરી માટોડીમાંયે
શોધવા મુશ્કેલ પડે એ મૂળિયાં
પાતાળ સુધી પહોંચતાં નથી,
મારી ઝીણકી પત્તીઓની નીચે
કોઈ ગોવાળિયાને વિસામો નથી,
મારી નાનકડી ડાળખીમાં
કોઈ તરવરતી ખિસકોલીને
ટેકવવાનું જોર નથી ...

પણ
નથી હિમ, નહીં ઠરવાનું
નથી વરસાદ, નહીં ભીંજવાનું
નથી તડકો, નહીં બળવાનું
નથી કરવત, નહીં ડરવાનું:
વળી,
મનના માહોલમાં નિજાનંદે મ્હાલવાનું!

અને,
કબીરવડને યાદ કરીને, બસ, જરા મલકી લેવાનું ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, October 26, 2009

ઉત્સવ

કાજળના ડાઘને કોઈ કહોને, કોઈ કહોને
હળદીનો વારો આજ આવ્યો હોજી,
પરીઓની વાતને કોઈ કહોને, કોઈ કહોને
સાચા અવસરનો આજ ઊત્સવ હોજી!

ઢીંગલી વાઘાને કોઈ કહોને, કોઈ કહોને
ચૂંદડી વિંટળાય આજ હેતની હોજી,
હોળી પચરંગને કોઈ કહોને, કોઈ કહોને
સેંથી સિંદૂર લાલ લાગવું હોજી!

કોરી એ કાંડીને કોઈ કહોને, કોઈ કહોને
રણકાતી ચૂડીઓથી શોભવું હોજી,
કાલી એ બોલીને કોઈ કહોને, કોઈ કહોને
મંગળ અષ્ટકને આજ ગૂંજવું હોજી!

કોટી વળગ્યા હાથને કોઈ કહોને, કોઈ કહોને
વરમાળનો વારો આજ આવ્યો હોજી,
પારણાંની દોરને કોઈ કહોને, કોઈ કહોને
હાથ જરા બદલાય તો ખમજો હોજી!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, October 12, 2009

કેટલી જલદી

ધીમી ધીમી
પા પા પગલી
કેટલી જલદી સપ્તપદી થઈ!
અને
પેલી જલદી ઘૂમતી ફેરફુદરડી
ધીરે ધીરે
અગ્નિફેરે ફરતી થઈ.

કાલી ભાષા
કેટલી જલદી
પ્રીતના ગીતે ગૂંજતી થઈ,
અને
ઢીંગલીવાઘા
સજતી જલદી
પાનેતરમાં ઢીંગલી થઈ.

ઘોડોઘોડો
હાથચાબૂકે
માંડવે જલદી ઠાવકી થઈ,
અને
ઘર ઘર રમતી
નાની છોકરી
આંખભીની એક રાણી થઈ.

--ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, October 7, 2009

મંગળમંદિર

મા,
એમ તો ઘણીયે વાર
તમે આમ સુતા છો.
પણ આજે
આ ઝગમગતો દીવો
કે
આ રામધૂન
તમારી ઊંઘમાં ખલેલ નથી પહોંચાડતા?
લાગે છે
ઘાટ પર તો આજે પણ તમે જશો જ.
જો કે આમ જ, મીંચીં આંખે.
છેલ્લે છેલ્લે પણ, શાંતીથી, જાણે એ જ રટણ:
મારી ચિંતા ના કરશો.
મંગળમંદિરને રસ્તે હું ભૂલી નહીં પડું ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, October 1, 2009

વિયોગ

મા,
વર્ષો વીતી ગયાં તમારી ખુરશી ખાલી પડે
ને માળાના મણકા પર તમારો હાથ ફરે:
પણ
હજીયે રોજ તમને માળા ફેરવતા જોઉં છું.
તમારી દુનિયાના ધબકારાના ઓડકાર
શ્વાસમાં સમાવી લેવાનો નિત્યક્રમ જાળવવા
ન્હાઈને ઓટલે એ જ ખુરશીમાં તમને બેસતા પણ રોજ જોઉં છું.
અને માળા ફેરવવા મંદિરમાં જ બેસવું જરૂરી નથી
એવા તમારા વ્યવહારુપણાની કદર પણ રોજ કરું છું.

વર્ષો પછી તમે નથી
પણ
ઓટલે સૂની પડેલી તમારી ખુરશી તોયે એમ જ છે.
માળા ફેરવવામાં તમને ગમતો ભંગ પાડતા
પેલો દૂધવાળો, પેલો શાકવાળો
અને શેરીમાં ઝાડુ ફેરવતી કંકુડી રોજ આવે છે.
બા આમ કહેતા ને બા તેમ બોલતા કહી
તમને યાદ કરે છે. હજીયે.

સૂનો પડેલો મણકો પણ
રોજ સોરાય છે:
માનો હાથ ફરે વર્ષો વીતી ગયાં ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, September 22, 2009

બે બોલ

ચાલને ગોરી, બોલને ગોરી, બસ બોલીને બે બોલને ગોરી, હસને ગોરી
તોડીને આ મૌનની ભીંતો શબ્દવેલ પર ચઢને ગોરી, બોલને ગોરી.

બોલે ઝરણું બોલે શમણું વાદળ પણ કાળાં ગગડે
ગોરી તું તો ધબકે કોમળ ના કેમ લગીરે પલડે?
તોડીને આ મૌનની ભીંતો શબ્દવેલ પર ચઢને ગોરી, બોલને ગોરી ...

ના માંગું ઝરણાંની ખળખળ ના વાદળનો ગગડાટ
બસ છે મારે તો ચકલા-ચકલીની અરધીપરધી યે વાત
તોડીને આ મૌનની ભીંતો શબ્દવેલ પર ચઢને ગોરી, બોલને ગોરી ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, September 10, 2009

પડદો

વર્ષો થયાં
રંગમંચના તખતા ઉપર
જાતજાતનો ભાગ ભજવાયો:
પારણાંનો દોર ખેંચાયો
આંગળીનો દોર્યો દોરાયો
લાવતો નહીં, આવતો જ દેખાયો
અને
વહાલથી જ
વ્યાજનો હિસાબ ચુકવાયો.

અરે!
ત્યાં તો અચાનક
એ પેઢીનો પડદો પડ્યો
અને
તાળીમાં સાચવેલો ગડગડાટ
એમ જ
હાથમાં રહી ગયો ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, September 3, 2009

પરવા

અડીખમ
ના તૂટે ખડક,
સમંદરને
ક્યાં છે એની પરવા?

સ્થિતપ્રજ્ઞ
ના જાગે ઝાડવાં,
તમરાંને
ક્યાં છે એની પરવા?

નિશ્ચિંત
જગ આખું ભરનીંદરમાં,
ચાંદાને
ક્યાં છે એની પરવા?

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, August 28, 2009

ઉજવણી

ઝળહળતી સવારી લઇને આવે છે સૂરજ
વેરતો પ્રસન્નતા, રોજ રોજ.
વિચાર આવ્યો:
ચાલ, એના કટકા કરી દઉં
અને ઓશીકા તળે દબાવી રાખું ...

પહેલાં ડગે સત્કારે છે
તરવરતી લીલાશ અને મહેકતા રંગો. રોજ રોજ.
વિચાર આવ્યો:
ચાલ એનો ચૂરો કરી દઉં
અને એક કૂંડામાં રોપી લઉં ...

અને
વિચાર આવ્યો:
એમ, ઢળતી સાંજે
રંગીન એક છોડની સોગાત સાથે
અજવાળું ઉજવતો રહીશ. રોજ રોજ. ...

-- ચંદ્રેશ ઠાકોર
ર્નોર્થવિલ, મીશીગન


Saturday, August 15, 2009

બહોત ખૂબ ...

આળસ માંડ મરડું તે પહેલા
સાવ તાજાતમા સૂરજકિરણનો તેજઠઠારો
કાને પડ્યો નવા દિવસની નોબત વગાડતો,
અને, અશબ્દ પડઘો પડ્યો: વાહ, વાહ ...

માટીના રંગ સાથે ભળી ગયેલી
છૂટી છવાઇ વેરાયેલી સળકડીઓ
એક પછી એક ઊંચકી
વીજળી કે વાવાઝોડાથી સાવ નચિંત ચકલીને
ડાળીઓની ઓથે ગોઠવતી જોઇ
મનોમન બોલાઇ ગયું: ક્યા બાત હૈ ...

લંગડીની રમત રમતાં એ બાળવૃંદમાંથી
માત્ર એકને જ પકડવાની ધગશમાં
અહીંથી તહીં અને તહીંથી અહીં એક પગે કૂદતા
એ તરવરાટને જોઇ
ધન્યતાની તાળી પડાઇ ગઇ: જીયો જીયો ...

હાઇવે પર
પૂરપાટ વેગે દોડી જતી ગાડીઓની વચ્ચે
મીનીમમ સ્પીડે ચાલતી ગાડીમાં
"આજ જાનેકી જીદ ના કરો"ની આજીજી સાંભળતા સાંભળતા
પીગળતો મારો જીવ ગાજી ઊઠ્યો: બહોત અચ્છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

દોટ

ક્ષિતિજને જો આંબી શકાય
તો
હું દોડીશ પશ્ચિમી ક્ષિતિજ તરફ :
એ રીતે
મારે માટે
સૂરજ ક્યારેય આથમવાનો નહીં !

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, August 14, 2009

ત્રીજી ફેબ્રુઆરી



સવાર તો રોજ પડે છે
રાત તો રોજ ઢળે છે
તારીખિયું તો રોજ ફરે છે ...

પણ, રોજ
મ્હેંદી રંગાતી નથી
ચૂડીઓ રણકતી નથી
માંડવો બંધાતો નથી
શરણઇ સંભળાતી નથી ...

રોજ અને આજ:
તફાવત માત્ર તું!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, August 13, 2009

આજ અને કાલ

ઝાકળના જામમાં મેં આંગળી ઝબોળી
ત્યાં કિરણાંની સાંભળી ટકોર,
ખોટે રે બારણે સાંકળ ખખડાવ મા
હોય તને જો અમૃતના કોડ.

કિરણાંની વાતમાં મેં જાતને ઢંઢોળી
ત્યાં અંતરની સાંભળી ટકોર,
કાલને તાંતણે જાતને ટટળાવ મા
માણી લે આજની આ પળને અમોલ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, August 3, 2009

બચપણ

આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

આંબલીની ડાળીએથી કુદકા ને હિંચકા એમાં છપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઇ નહીં જોઇ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વ્હાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

મબલખ કોઇ પાક્ની પરવા નો'તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું'તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર જામેલી ધૂળને મારી તું ફૂંક એક હઠાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

રંગીન લખોટીઓ ને કોડીઓ ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઇટ્ટા-કિટ્ટાનો કોઇ કાયમનો નો'તો ઠરાવ
આંટી અને ઘૂંટીમાં ડુબ્યા આ જીવને આટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન


*નળિયાના સાત ટુકડાની ઢગલીને બોલથી તોડવાની અને ફરી ગોઠવવાની
રમત

Friday, July 31, 2009

કારણ

તારાથી વિખૂટો પડું છું ત્યારે
હું
આંખ બંધ કરું,
તું બંધ આંખે તાદ્રશ થાય
અને, એમ
તારો વિયોગ સહ્ય બને.

મૃત્યુના આગમન સમયે
જો હું આંખ મીંચીશ, તો
બસ,
માત્ર એ એક જ કારણે !

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, July 28, 2009

તક્દીર

આ જામ તો સદંતર છલકતું રહ્યું છે
નિજાનંદે નિરંતર મલકતું રહ્યું છે
તરસ બેતરસ જેવો ઘૂંટ ભરું ત્યાં
કોઇ એને લગાતાર ભરતું રહ્યું છે ...

ઓ જામ તો સદંતર ખાલી પડ્યું છે
જાણે નિરંતર એ તો ઊંધું પડ્યું છે
ખબર છે મને એ કંઇ ઠલવાયું નથી
ચોતરફ બધું તો કોરું પડ્યું છે ...

-- ચંદ્રેશ ઠાકોર
ર્નોર્થવિલ, મીશીગન

Monday, July 20, 2009

કેમ કરી?

આંજી આંજીને હું આંખડીને આંજું પણ દ્રુષ્ટિને કેમ કરી આંજું?
માંજી માંજીને હું થાળીને માંજું પણ પાણીને કેમ કરી માંજું?

નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
પાણીને કેમ કરી માંજું?

આપી આપીને થોડી જાયદાદ આપું પણ તાંદુલને કેમ કરી આપું?
માપી માપીને મારી મહોલાતો માપું પણ કમાણીને કેમ કરી માપું?
પાણીને કેમ કરી માંજું?

ગાળી ગાળીને હું પાણીને ગાળું પણ જીવતરને કેમ કરી ગાળું?
વાળી વાળીને મારા આંગણને વાળું પણ વાણીને કેમ કરી વાળું?
પાણીને કેમ કરી માંજું?

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, July 15, 2009

બોન્સાઇ

મને કબીરવડ કહીને લોક ખંધૂં હસે છે ...

સાચે જ
બે મૂઠેરી માટોડીમાંયે
શોધવા મુશ્કેલ પડે એ મૂળિયાં
પાતાળ સુધી પહોંચતાં નથી.
મારી ઝીણકી પત્તીઓની નીચે
કોઇ ગોવાળિયાને વિસામો નથી.
મારી નાનકડી ડાળખીમાં
કોઇ તરવરતી ખિસકોલીને
ટેકવવાનું જોર નથી ...

પણ
નથી હિમ નહીં ઠરવાનું
નથી વરસાદ નહીં ભીંજાવાનું
નથી તડકો નહીં બળવાનું
નથી કરવત નહીં ડરવાનું:

બસ
પ્રીત-પોષણના માહોલમાં
નિજાનંદે મ્હાલવાનું!

અને
કબીરવડને યાદ કરીને, મનમાં સહેજ મલકી લેવાનું ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, July 10, 2009

વિચાર

વિદ્યુતના તાર પર બેસીને
સંવનન કરતાં બે પારેવડાં:

એક જીવે એ જોયું
અને એને વિચાર આવ્યો,
વીજળીનો આંચકો પારેવડાંને લાગશે તો?

બીજી બે આંખોએ એ જોયું,
અને એ જીવે
"ખાધું, પીધું, અને રાજ કર્યું" એ પરમસંતોષની
કલ્પના કરી!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, July 6, 2009

અનુભવ

અમરતાના પાઠ શીખવા
ધ્યાન ધર્યું મેં
સાબુના ફીણમાંથી નીપજેલા
પરપોટાનું!

શક્યતાના સ્વાંગને સમજવા
બીડું ઝડપ્યું મેં
પારાને
ચપટીમાં પકડવાનું!

ના કંઇ શીખ્યો,
ના કંઇ સમજ્યો
અને દ્વિધામાં પડ્યો:
મંઝિલ ખોટી કે માર્ગ ખોટો?

ત્યાં
ખભે ટપલી પડી.
પાછો ફરીને જોઉં તો, ઊભો'તો
કોલંબસ ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, July 5, 2009

વરસાદ વરસાદ

વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો ...

કાળા ધીબાંગ વાદળ થઇને ને નીતર્યું નીલું આકાશ લઇને વરસાદ આવ્યો
માટી ગાતી મહેક મહેકતી ને ગહેક ગહેકતો મોર નાચ્યો, આહા, વરસાદ આવ્યો ...

ચમક ચમકતી વિજળી સંગે ધબક ધબકતી ધરતી જાગી વરસાદ આવ્યો
ઝરણું દોડે ખળખળ ખળખળ લીલ્લમ લીલ્લું તરણું પોંખે, આહા, વરસાદ આવ્યો ...

પાંચ વરસને છબછબતો ને સોળ વરસને લથબથતો આ વરસાદ આવ્યો
ટપક ટપક નેવેથી ઝૂરતો ને છલક છલક આલિંગન દેતો, આહા, વરસાદ આવ્યો ...

રેલમછેલમ નદિયું રેલે ને તડકે વરસી રંગબેરંગી ધનુષ રંગે વરસાદ આવ્યો
ઘેબરિયો પરસાદ ખાવા ને તળપદિયો તલસાટ ગાવા, આહા, વરસાદ આવ્યો ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ્, મીશીગન

Tuesday, June 30, 2009

પાંખ

કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું,
મૂછને વળ દેતું.

એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ,મીશીગન

Monday, June 29, 2009

સુપાત્ર

વિચાર આવ્યો: અળસિયાને અચકન પહેરાવી હોય તો? તો એ સોહામણો લાગે? સોહામણો લાગશે તો એ સુરવાળનો ધખારો કરશે. અને પછી સાફાનો. વળી મોજડી પણ માંગશે. અને એ રૂપાળી પ્રતિભા ઉપર મ્હોર મારવા અરીસો માંગશે.

પણ્, પોતાનું પ્રતિબિંબ જોવા એ ટટ્ટાર ઊભો રહી શકશે ખરો? એ અચકન પગ પેદા કરી શકશે? કરોડરજ્જુમાં જોમ રેડી શકશે? ... એમ કંઇ ફરક પડવાનો ના હોય, તો છોડો એ ઝંઝટ. એને ધૂળમાં આળોટવા દો. માટીને ખૂંદવામાં મશગૂલ રહેવા દો ...

અચકનને ઊંચી મૂકી દો. કોઇ યોગ્ય પાત્ર માટે.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, June 25, 2009

શું?

દુનિયા કણસે ચારે બાજુ
આંસુ ખૂટે ત્યાં લો'વું શું?

જોયું તે ના જોયું કરવું
દ્રષ્ટિ ખોયે જોવું શું?

બાંધ્યું ઘર તેં મારે માટે
સાબૂત પાયે ખોવું શું?

ડાઘ પડ્યા જો ઊંડે અંતર
પહેરણને ત્યાં ધોવું શું?

ઊડ્યું બચ્ચું પાંખને પામી
માળો સૂનો રોવું શું?

આંધળો બેઠો મૂંગાની પૂંઠે
કોણે કોને કે'વું શું?

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, June 21, 2009

ઉષ્મા **

ઉષ્માના છે ઝૂમ્મર લાગ્યા
ઉષ્માના છે ઝાલર વાગ્યા
ઉષ્માના રણશીંગાં ગાજ્યાં
ઉષ્માના મૂંગા શ્લોક ગવાયા ...

ઉષ્મા ના કોઇ છોડે લાગે
ઉષ્મા ના કોઇ ડાળે લટકે
ઉષ્મા ના કોઇ નાળે-દરિયે
ઉષ્મા ના કોઇ રસ્તે ભટકે ...
ઉષ્મા ખેંચે ઘૂંઘટ નીચે
ઉષ્મા ખોલે ઘૂંઘટ ઊંચે
ઉષ્મા તો કાનાની કંકર
ઉષ્મા તો મટકીની અંદર ...
ઉષ્મા ઉડતી ફૂગ્ગે ફૂગ્ગે
ઉષ્મા લાંઘે લંગર ઊંડે
ઉષ્મા અંતર નવતર રંગે
ઉષ્મા આંતર જીવતર રંગે ...
ઉષ્મા નીતરી આંખે ટપકે
ઉષ્મા વણટપકે પણ ભીંજવે
ઉષ્મા હૈયું નક્કર બાંધે
ઉષ્મા વણબાંધે પણ વીંટે ...

ઉષ્માના છે ઝૂમ્મર લાગ્યા
ઉષ્માના છે ઝાલર વાગ્યા
ઉષ્માના રણશીંગાં ગાજ્યાં
ઉષ્માના મૂંગા શ્લોક ગવાયા ...

ઉષ્મા ઉષ્મા તારો જંતર
ઉષ્મા ઉષ્મા મારો મંતર.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ,મીશીગન.


** = હૈયાની હૂંફ

Thursday, June 18, 2009

દેખાડો

અરીસા સામે મેં હાથ ધર્યો
અને
પ્રતિબિંબિત હસ્તરેખાઓ ગર્જી ઊઠી:
બહુ દેખાડો કરીએ
તો
સવળી બધી અવળી થઈ જાય!

વર્ષો પહેલાં મા એવું જ કંઇ કહેતી હતી ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Monday, June 15, 2009

ભરતી અને ઓટ

પ્રેમમાં ભરતી આવે
અને ઓટ પણ.
ભરતી હોય ત્યાં ઓટ હોય જ ને?
એ ઓટને અટકાવવા
પ્રેમની જ દિવાલ બાંધી દઉં તો?

પણ,
દિવાલ તો દિવાલ જ ને?
ઓટને અટકાવતા ભરતી પણ અટકી જાય ને?
એમ પણ પ્રેમ સ્થગીત થયેલો સારો નહીં.
ભલે ભરતી પાછી વળે --
એ પ્રેમની ઓટ નહીં
બલ્કે
ભરતીના નવા જુવાળને જ આમંત્રણ
અને આવાહન!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, June 14, 2009

ઢાઇ અક્ષર

વર્ષો ઉપર
મનમાં જ ગુંજતા ગુંજતા
રોપ્યો હતો તેં એક છોડ:
ઢાઇ અક્ષરનો.
વર્ષો વીત્યાં
પાળ્યો અને પોષ્યો એને
બસ્, અશબ્દ.
મૂળિયાં સાબૂત થયાં
એ જ મૂંગા જતનથી.
છોડ પાંગરતો રહ્યો એમ જ
ગાનતાનના તમાશા વગર.
અને તોયે
ઢાઇ અક્ષરનો જ રહ્યો.

એ છોડને
પાળતા અને પોષતા
તું
ગણગણતી અને ગાજતી હોત
તો
એ છોડનો શબ્દકોશ થઇ ગયો હોત?

મારે તો અઢી અક્ષર જ બસ છે:
ત્રણ હોત તો, કદાચ
વામન અને વિરાટની મડાગાંઠ ઉપજતે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Saturday, June 13, 2009

મીઠાશ

ડાયનાસોરની
બાલુશી વાતોમાં મશગૂલ
ચાર વર્ષનો એ જીવ
મને પૂછે છે, ઘણી વાર:
પાપા, આમ કેમ?

એની કુતૂહલ ભરપૂર મીઠાશમાં ડબુકિયા કરતો હું
વિચારું છું:
કાલ ઊઠીનેએ જ જીવ પૂછશે
પાપા, આમ કેમ નહીં?

ચાર વર્ષની બાળક સહજ મીઠાશ,
શક્ય છે,
ચોવીસે નહીં હોય.

એ મીઠાશને
એક એરટાઈટ ડબ્બામાં
ભરી શકાય?

-- -- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, June 12, 2009

છાંટા

છાંટા પડ્યા
એ તો મુસીબતોના,
વરસાદ પડે છે
મુશળધાર મહેરબાનીનો!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન