Sunday, December 25, 2011

તારું સ્મિત

તપ્ત સુક્કી માટીને પણ સાંગોપાંગે ભીંજવી દે
એવું તારું સ્મિત
મન મુકીને વરસી એને મ્હેક મ્હેકાવી રિઝવી દે
એવું તારું સ્મિત.

કાળા ભમ્મર વાદળિયાંને બેફામ ગગડતું રોકી દે
એવું તારું સ્મિત
ડાળ ઉપરથી સાવ સુક્કુંયે પાન ખરંતું અટકાવી દે
એવું તારું સ્મિત.

ટપકટપકતાં નેવાં પણ એ દુરદુરથી સૂકવી દે
એવું તારું સ્મિત
હિમ થીજેલા હૈયાને બસ પળભરમાં ઓગાળી દે
એવું તારું સ્મિત.


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Thursday, December 15, 2011

લઘુ કાવ્યો (૪)

આજે રજતજયંતિ
કાલે સુવર્ણ, પછી અમૃત.
એમ, માપણી બધી વર્ષોમા જ.
દુનિયાની એ છે બહુ જુની ટેવ.
મારી માપપટ્ટી તો બહુ નાની,
માત્ર ક્ષણો જ છે એમાંઃ
રજતક્ષણ
સુવર્ણક્ષણ,
અમૃતક્ષણ ...

-----

પાળિયા રોજ રોજ ઠોકાય છે
સૂરજની છડી પણ રોજ રોજ પુકારાય છે.

પારણાં પણ રોજરોજ બંધાય છેઃ
પાળિયા રોજ રોજ ઠોકાય છે એટલે નહીં,
સૂરજ રોજ રોજ ઊગે છે એટલે ...

-----

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Thursday, November 24, 2011

બ્રેઈન ટયુમર**

આ તો બ્રેઈન ટયુમર છે.
એની પાસે અમીદ્રૃષ્ટિની અપેક્ષા ના રાખશો.
એને આંખ જ નથી,
તો અમીદ્રૃષ્ટિ ક્યાંથી નીતરે?
એને કાન પણ નથી.
કોઈનીયે કાકલૂદી એ નહી સાંભળે.
જો કે, હાથ નથી તોયે
એના શિકારદર્દી પર
એ ખંજર હુલાવતું જ રહે છે.
સતત.

દયાળુ ઈશ્વરનું સર્જન આટલું નિર્દય?

ઈશ્વર,
તેં માંડેલી આ શતરંજની બાજીમાં
વજીરનું સ્થાન, જાણે, તેં બ્રેઈન ટયુમરને આપી દીધું.
અને ઉપરથી એને ચોર્યાશી લાખ અવતાર પણ?
લાગે છે, તું ગોથું ખાઈ બેઠો.
સાવ માનવસહજ.
પણ એવી ભૂલ થાય
તો, એનું માનવસહજ પ્રાયશ્ચિત પણ કરી શકાય.

શતરંજની બાજીમાં, જોયું છે, ક્યારેક
પ્યાદાં પણ જીતી જાય છે.
શક્ય છે
પ્યાદાં એમની વ્યુહરચનાને વધુ તીક્ષ્ણ બનાવે,
એમના નખને ન્હોર બનાવી દે.
એમના એવા સંભવિત વિજયની ઘડીએ
ગેરસમજ ના કરતો પ્રભુ કે
પ્યાદાં
તારી શક્તિનો પડકાર કરી રહ્યાં છે,
તારી શક્તિનો ઉપહાસ કરી રહ્યાં છે.
એને ગણજે તારી જ સર્જેલી માનવશક્તિનો વિજય.

તો, પરવરદિગાર, આવ
પ્યાદાંને તારા દોરીસંચારનો લાભ આપ.
સુત્રધાર થઈ જા એમના શત્રુના નિકંદન માટે,
એ બ્રેઈન ટયુમરના સદંતર િવનાશ માટે.

અને આવ અમને મળવા.

આપણે મળીશું પ્યાદાંના વિજયક્ષેત્રમાં,
બ્રેઈન ટયુમરની સ્મશાનભૂમિમાં.

તારી રાહ જોતું બેઠું હશે સમગ્ર માનવજગત.
અધીરું થઈને.
કુંભમેળામાં ઊભરાતી માનવમેદનીને પણ ઝાંખી પાડી દે
એવો જનસમુદાય ઊમટ્યો હશે.

બ્રેઈન ટયુમરની ચીરવિદાય માટે.

અને, સાચું કહું?
રડીખડી એકાદી આંખ પણ ભીની નહીં હોય ...


**(બ્રેઈન ટયુમરના ભોગ બનેલા એક પરમ મિત્રની સ્મૃિતમાં ...)


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન.

Wednesday, November 2, 2011

કાયાપલટ

ઘૂંટણિયા તાણતું પારણું
ધીમે ધીમે
એના સીમિત ખંડની ચાર િદવાલોમાંથી
બહાર નીકળ્યું.
વળાંકે વળાંકે ભટકાયું,
આમતેમ જરા ઠોકાયું,
અનુભવે ઘડાયું,
અને
એક િદવસ,
જાણે જોતજોતામાં,
એની કાયાપલટ થઈ ગઈ.
લોકોએ એનું નામ પણ બદલી નાંખ્યું.

એનું નવું નામઃ બાંકડો.

પેલા સીમિત ખંડની ચાર િદવાલો છોડીને
હવે બાગની મોકળાશ એ માણે છે,
ઝાડ નીચે બેસી ભૂતકાળની મીઠાશને વાગોળે છે,
ખુશનસીબને થાબડે છેઃ
માટીની સોડમ, કોકરવરણો તડકો, ખુશનુમા ઠંડક,
કોયલનો ટહૂકો, નવી કૂંપળો, હરિયાળી, ફૂલફળાદિ ...
મુશળધાર મહેરબાની ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Friday, April 29, 2011

ઉધામા

રેતીને
જો
આસાનીથી ઓગાળી શકાય
તો, સહરાનું રણ
એટલાન્ટિક સમુદ્રની હરિફાઈ કરી શકે
અને, કદાચ જીતી પણ જાય!

પાણીની
જો
ઢગલી કરી શકાય
તો, એટલાન્ટિક સમુદ્ર
હિમાલયની હરિફાઈ કરી શકે
અને, એ પણ કદાચ જીતી જાય!

પણ, સબુર!
અશક્ય પાછળની
એ આંધળી દોટ પછી પામવાનું શું?
એક ડહોળો દરિયો, અને
એક પાણીપોચો પર્વત?


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન..

Saturday, April 16, 2011

સૈનિકકુટુંબ (૧)**

સૈનિકસંતાન

તું જાય છે
અને
મારા વાળમાં
તારી આંગળીની ધ્રુજારી મુકતો જાય છે.
પણ, ચિંતા ના કરીશઃ
તું પાછો ફરે એની રાહ જોતો
હું
મારા બાળપણને તારે માટે સાચવી રાખીશ
મારી રમતોને પણ અભરાઈ ઉપર ચઢાવી દઈશ
અને
તારી રાહ જોતો
માથે ઊડતા દરેક િવમાનને
ટગરટગર જોયા કરીશ,
રોજ રોજ ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૨)**

સૈનિકમાતા

તું જાય છે
અને
શૂર જણ્યાની ખુમારીનું મારું નૂર
એટલું ચમકાવતો જાય છે
કે
આંસુ પણ અટકી પડે છેઃ
રાહ જોતાં, ધીરજ ધરતાં
એ દિવસની
જ્યારે
તું પાછો ફરશે
અને
વિજયપતાકે મારી ખુમારીની ટક્કર ઝીલતો
ખુદ મને જ ઝીલી લેશે ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૩)**

સૈનિકપિતા

તું જાય છે
અને
મૂંગી નજરે
જાણે કંઈ કેટલુંયે કહેતો જાય છે.
પણ હું?
તારો ખભો બસ બે જ વાર થાબડીને થંભી ગયો
લાખ શબ્દે સાવ અવાચક થઈ ગયોઃ
દિવાસ્વપ્ને જોતો
તને પાછો ફરતો
શબ્દે એટલો જ કંગાળ તોયે
તારા ખભાને, બસ, હું હચમચાવી દેતો ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

સૈનિકકુટુંબ (૪)**

સૈનિકપત્ની

તું જાય છે
મને જ ખબર મને શું થાય છે.
મારા હોઠ પરના માંડ બે-ચાર શબ્દોમાં
મારું આંસુ સંભળાઈ જાય
તો માફ કરજે.
હું શું કરું?
કંચુકીમાં ગર્વ સમાતો નથી એની પીડા
નિર્દયતાથી આંખમાં છલકાય છે.
પણ
એ જ ભીની આંખ
તું પાછો ફરશે
એ દિવસની રાહ જોતી
આકાશમાં અને અવકાશમાં ફરીફરીને
આપણા શયનગૃહની છત ઉપર ટીકીટીકીને
છેવટે
આપણા ઉંબરને ધોઈ ધોઈને
ત્યાં જ વળગી રહેશે ...


સૈનિક

હું જાઉં છું
અને
જાઉં એ પહેલા
હું જ જાણું
હું કેટલો વેધાઉ છું ...

** યુદ્ધમાં જતા સૈનિકને જોઈને સ્ફુરેલી રચના

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, March 22, 2011

કહાણી

કર્મ ...
કુટુંબ ... કૂંપળ ... કિશોર ... કિશોરી ... કાજળ
... કુમારી ... કેવડો ... કુમાર ... કોલેજ ...
કાગળ ... કેશ ... કળી ... કંચુકી ... કન્યા ...
કુસુમ ... કંગન ... કુમકુમ ... કંદર્પ ... કલગી ...
કલશોર ... કંપની ... કમાણી ... કુટુંબ ... કલરવ...
ક્લેશ ... કુટુંબ ... કૂંપળ ... કુંવર ... કુંવરી ...
કોલેજ ... કરજ ... કર્તવ્ય ... કલ્યાણ ... કિતાબ
... કિર્તન ... કથા ... કફન ... કબર ...
કર્મ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, March 13, 2011

હાાઈકુ-૩

માના િદલને
શરણૈયો પુછે, િક
રાગ રેલાવું?
-----

મેંદી પુછે છે
નવોઢાને, રંગ આ
સાચવશે તું?
-----

તાસકકંકુ
થઈ જાય સોહાગ
ભરાઈ સેંથે.
-----

ઢોલ ઢબૂકે
પાદરે, પડે પડઘા
ષોડશીદિલે.
-----

મ્હેંદી હાથે
સપ્તપદી માંડવે
ઢીંગલી ક્યાં?
-----




-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, March 8, 2011

દરિયાપાઠ

અંતરની છોળો ઊછળે એવી કે થાય મને દરિયાની જેમ હું હિલોળું
તોડવા ખડકને રોજરોજ પટકું પછી હળવેથી શ્વાસ લેતા શીખું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

દરિયાનો બાગ સાવ ખારો ખારો પણ એની ભીતરે પાકે છે મોતી
આવરણની ભાતના રૂપને છોડી જરા અંતરની કેડી લઉં ગોતી
ને મારો છિપલાંનો ફાલ હું ઉતારું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

ખળભળ દિનરાત હોય તોયે ના અટકે એનાં ઘૂઘવતી લ્હેરોનાં ગીત
મારી હલચલની નહીં રે વિસાત તોયે રુંધું મારી તર્જ્યુંના મિત
બસ, મારા સુતેલા સાજને જગાડું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...

અંતરે છુપાવેલી સ્રૃષ્ટિ એની જોઈ થાય દિલના દરવાજા હું ખોલું
અસીમ એ ઉદારતા ને અગાધતા જોઈને દરિયાવદિલી હું જરા સમજું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું
ચાલ, દરિયાને ખોળે કંઈ શીખું ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Wednesday, March 2, 2011

સુગંધ

મારે સુગંધનો અવતાર લેવો છે ...

પણ, નીલા નિરભ્ર આકાશ નીચે
માદક પવનની ખુશનુમા લહરના ખોળામાં બેસી
ગાજવાનો અને રાચવાનો જેને લ્હાવો મળે
એવી સુગંધ નહીં.

મારે તો થવું છે
કડકડતી ઠંડીમાં
નિવસ્ત્રે કે અલ્પવસ્ત્રે થરથરતા કો જીવને
હૂંફથી વીંટી લે
એવી સુગંધ.

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Sunday, February 20, 2011

હાઈકુ-૨

ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ-હથોડીએ.

-----

કંકુના છાંટા
સુકાયા કંકોત્રીએ
રંગ એવો જ!

-----

હૂંફનો ધોધ
અકબંધ છાપરે
કેવો ભીંજાયો!

-----

ના મારી-તારી,
જોડાઈ ગઈ રેખાઓ
હસ્તમેળાપે ...


-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

Tuesday, February 15, 2011

અહોભાગ્ય

રોજ તપતી
અને સુકાતી રેતીનો એક નાનકડો કણ.
જુએ છે રોજ
દરિયાની વિશાળ ભીનાશ.

દારિદ્રય નથી દુબાડી દેતું એને ક્ષોભમાં
દારિદ્રય નથી દુબાડી દેતું એને લોભમાં.

એની ગણત્રી છેઃ
એકાદું શીકર પણ મને ભીંજવી જાય
તો
બસ છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન