Monday, March 12, 2012

ઈગ્વાસુ ધોધ

ઈગ્વાસુ ધોધ એ કુદરતની બેનમૂન કરામત અને પ્રચંડ શક્તિનો માત્ર એક નમૂનો. પણ, એના સાન્નિધ્યમાં ગાળેલો સમય ચીરસ્મૃિતમાંથી ક્યારેય ભુંસાવાનો નહીં. એવો એનો પ્રભાવ. એનો અમાપ વિસ્તાર, પાણીનું એ અક્ષયપાત્ર, અને એના ઠલવાયે રહેતા પાણીના પ્રવાહનો જોશ માનવી કેટલો વામણો છે એની એક અનુપમ પ્રતીતિ હર પળે કરાવતા રહે છે. પણ, વામણાપણાની એ અનુભૂતિમાં મને કંઈ નાનમ ના લાગી. બલકે, કુદરતની એ કરામત અને પ્રચંડ શક્તિ માટે અનેરા માનનો આવિષ્કાર થયો. અને એ વૈભવ અને શક્તિ મ્હાલવા મળ્યા એ ખુશનસીબી માટે ધન્યતાની લાગણી થઈ.

અને એ મહાકાય ધોધને ક્યારેક ધુંધળો બનાવી દે અને ક્યારેક સદંતર ઢાંકી દે એવું ધુમ્મસ પણ એ જ કુદરતની બીજી કરામત. ધુમ્મસ અને ધોધ. જાણે ડેવીડ અને ગોલાયથ. ધસમસતો ધોધ. મખમલી ચાદર જેવું ધુમ્મસ. કોઈ સામનો કરવા કોઈ જાય તો એના ભૂક્કેભૂક્કા કરી નાંખે એવી એ ધોધની તાકાત. અને જેની નજાકતને છંછેડવાની સ્હેજે હિંમત ના થાય એવી એ ધુમ્મસની મુલાયમતા. બે વચ્ચે જાણે ગજગ્રાહ જામ્યો. જો કે હકીકતમાં એ દ્વંદ્વયુદ્ધ નો'તું. એ તાકાતવંત ધોધ તો જાણે સાવ પરવશ હતો. પેલી મુલાયમ ચાદર પોતાની મનસુબી મુજબ પથરાઈ જાય. ધોધને સાંગોપાંગ ઢાંકી દે. સાવ અદ્રશ્યમાન કરી નાંખે. માત્ર એની ગર્જના સિવાયનું ધોધનું સમગ્ર અસ્તિત્વ જાણે અલોપ! અને એવા ધોધની તાકાતની બે-પાંચ મિનીટ પુરતી જાણે દયા ખાતી હોય એમ એ ચાદર, ઓચિંતાની, આપોઆપ સમેટાઈ જાય. એકપક્ષી ઢાંકપિછોડીની રમત જાણે. એ ચાદરથી વિરાટકાય ઈગ્વાસુ ઢંકાઈ ગયેલો હોય તોયે એના ઘૂઘવાટનો રુઆબ એવો જ સંભળાય. અને એ ચાદર જ્યારે સમેટાઈ જાય ત્યારે એક નવોઢાનો ઘૂંઘટ જાણે ખુલ્યો. ધોધનું સૌંદર્ય એટલું જ અકબંધ.


એને ફરી ઊજવવાનું, એ મુલાયમ ચાદર ફરીથી પથરાઈ જાય ત્યાં સુધી!


ધોધ અને ધુમ્મસ, જોશ અને મુલાયમતા ... સ્મૃિતપટમાં કાયમ અંકાઈ રહેવાને સર્જાએલી ઈગ્યવાસુની મુલાકાત એક-બે સબક પણ કાયમ માટે કંડારી ગઈ છેઃ મુલાયમતા પ્રાબલ્યને હરાવી શકે છે, મુલાયમતા જોશને લાચાર બનાવી દે છે. પણ, મુલાયમતાને એ લાચારી કાયમી બની રહે એની જીદ નથી હોતી. સહઅસ્તિત્વની આવશ્યકતા એને પણ હશે? ...

No comments:

Post a Comment