ક્યાંથી જડી તમને મારી શેરી?
અલા, જ્યાં તેં ખોઈતી ત્યાંથી જ.
લે, સંભાળી લે અને હવે બરોબર સાચવજે એને.
આ મારી શેરી? અરે સાહેબ,
મશ્કરી છોડો.
મારી ખોવાયેલી શેરી ક્યાં અને આ ક્યાં?
સ્નાન-સૂતકનો સંબંધ પણ એમને અશક્ય છે.
વર્ણનમાં, સાહેબ
મેં મારી શેરીને રળિયામણી નો'તી ગણાવી?
આના દેદાર તો જુઓઃ
ધૂળ તો ઠીક, પણ આ ગંદવાડ?
મારી શેરીની ભંગિયણ, એનું નામ હતું કંકુ અને શેરીની સફાઈ હતો એનો પરમ ધરમ.
ના સાહેબ, આ મારી શેરી નથી ...
અને સાહેબ,
મેં મારી શેરીના કલ્લોલની વાત નો'તી કરી?
જવા દો ને એ વાત જ અહીં.
કલ્લોલ તો છોડો,
નથી દેખાતા કોઈના મ્હોં પર ઉલ્લાસ કે આછકલું સ્મિત.
ના સાહેબ, આ મારી શેરી નથી ...
અને, હવેલીઓની જગાએ આવા ખંડેર?
રામજી મંદિરનો ઘંટ પણ સાવ મૂંગો?
પેલા જનોઈ પે'રીને ફરતા બ્રાહ્મણો ક્યાં?
અને ઊગતા સૂરજને કોઈ અંજલિ પણ આપતું નથી?
ના સાહેબ, આ મારી શેરી નથી ...
સાહેબ, મારી શેરીમાં રોજ આવતાઃ
ઈબ્રાહીમ ટપાલી
બરફના ગોળાવાળો મહ'મદ
મહ'મદ કડિયો
ને નાના બાળકો પણ ઓળખતા
અે સફેદ દાઢીવાળા હાજીચાચા.
અમારી આખી હિંદુ શેરી સાથે એ બધાને ઘરવટો હતો.
સાહેબ, શું કહું તમને?
અમારા સંબંધ હિંદુ-મુસલમાનના સંબંધ નો'તા.
ના સાહેબ, આ મારી શેરી નથી ...
અને સાહેબ, મારી શેરીના ચોકમાં
હતો એક ચોરસ બાંકડો. સીમાસ્થંભ સ્વરૂપ.
સ્હવારના કૂણા તડકે અને સંધ્યાકાળે
ત્યાં જામે ચાર-પાંચ વયોવૃદ્ધ સ્ત્રી-મુરબ્બીઓનો અડ્ડો.
ગામપંચાત ભલે ત્યાં થતી'તી, પણ સાહેબ,
કોઈ પણ અણજાણ વ્યક્તિની દેન નો'તી
કે ત્યાંથી પસાર પણ થઈ શકે
એ જાજરમાન વડીલોની ઉલટતપાસ વગર!
હવે તો, બધા જ અણજાણા.
કોઈને પડી લાગતી નથી કે કોણ આવ્યું ને કોણ ગયું.
ના સાહેબ, ના, ના, ના
આ મારી શેરી નથી જ નથી ...
-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન