Saturday, August 15, 2009

બહોત ખૂબ ...

આળસ માંડ મરડું તે પહેલા
સાવ તાજાતમા સૂરજકિરણનો તેજઠઠારો
કાને પડ્યો નવા દિવસની નોબત વગાડતો,
અને, અશબ્દ પડઘો પડ્યો: વાહ, વાહ ...

માટીના રંગ સાથે ભળી ગયેલી
છૂટી છવાઇ વેરાયેલી સળકડીઓ
એક પછી એક ઊંચકી
વીજળી કે વાવાઝોડાથી સાવ નચિંત ચકલીને
ડાળીઓની ઓથે ગોઠવતી જોઇ
મનોમન બોલાઇ ગયું: ક્યા બાત હૈ ...

લંગડીની રમત રમતાં એ બાળવૃંદમાંથી
માત્ર એકને જ પકડવાની ધગશમાં
અહીંથી તહીં અને તહીંથી અહીં એક પગે કૂદતા
એ તરવરાટને જોઇ
ધન્યતાની તાળી પડાઇ ગઇ: જીયો જીયો ...

હાઇવે પર
પૂરપાટ વેગે દોડી જતી ગાડીઓની વચ્ચે
મીનીમમ સ્પીડે ચાલતી ગાડીમાં
"આજ જાનેકી જીદ ના કરો"ની આજીજી સાંભળતા સાંભળતા
પીગળતો મારો જીવ ગાજી ઊઠ્યો: બહોત અચ્છે ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

1 comment:

  1. ચંદ્રેશભાઈ,


    માફ કરજો... આપનો પ્રતિભાવ નજર બહાર જ રહી ગયો હતો. આજે આ પોસ્ટ પર બીજા બે પ્રતિભાવ આવ્યા એટલે એ નજરે ચડ્યો. આપનું નામ યાદીમાં ઉમેરી લીધું છે. સરસ બ્લૉગ થયો છે. કવિતાઓ પણ મજાની છે...

    ReplyDelete