Monday, August 3, 2009

બચપણ

આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

આંબલીની ડાળીએથી કુદકા ને હિંચકા એમાં છપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઇ નહીં જોઇ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વ્હાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

મબલખ કોઇ પાક્ની પરવા નો'તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું'તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર જામેલી ધૂળને મારી તું ફૂંક એક હઠાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

રંગીન લખોટીઓ ને કોડીઓ ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઇટ્ટા-કિટ્ટાનો કોઇ કાયમનો નો'તો ઠરાવ
આંટી અને ઘૂંટીમાં ડુબ્યા આ જીવને આટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઇ આવ ...

દોડતું ને કુદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું આવ
આવ ભેરુ આવ
મારા બચપણને પાછું તું લાવ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન


*નળિયાના સાત ટુકડાની ઢગલીને બોલથી તોડવાની અને ફરી ગોઠવવાની
રમત

3 comments:

  1. Nice one mamu..guess wat? I already composed it!(yes,i hv a harmonium here).

    ReplyDelete
  2. કરવાની યાદ યારી કોની કોની ને ભુલવાની કોની વિદાય
    આવે લહેરખી આજેય હંસીની એને આંસુડે કેમ ધોવાય

    દીધું છે જેટલું ના દે કોઈ એટલું દરિયામાંયે ના સમાય

    આવ ભેરુ આવ
    મારા બચપણને પાછું તુ લાય

    ભરત શાહ
    નોવાઈ, મીશીગન
    ઓગસ્ટ ૯, ૨૦૦૯

    ReplyDelete
  3. ભરતભાઇ:

    કાવ્યમય પ્રતિભાવ ગમ્યો. ... "આય ભેરુ આય" વધુ તળપદી થઇ રહેતે!!

    ReplyDelete